કેનેડાના સરેમાં એક ભારતીય મૂળના વ્યક્તિ ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ ૨૭ વર્ષીય જસ્મન સેખોન તરીકે થઈ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલો સંગઠિત ગુના અથવા ગેંગ વોર સાથે જાડાયેલો હોઈ શકે છે. પોલીસને શંકા છે કે હુમલાખોરોએ સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે આ ગુનો કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. અહેવાલો અનુસાર, આ ઘટના સુલિવાન હાઇટ્‌સમાં એક ટાઉનહાઉસ સંકુલમાં બની હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક કાળી એસયુવીએ જસ્મનનો પીછો કર્યો. ત્યારબાદ બે માણસો વાહનમાંથી બહાર નીકળીને આડેધડ ગોળીબાર કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં જસ્મનનું મોત થઈ ગયું હતું. તપાસ ટીમ કહે છે કે જસ્મન અગાઉ પોલીસના સંપર્કમાં હતો અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલો હોવાની શંકા છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે આ કેસ સંગઠિત ગુના અને ગેંગ વોર સાથે જાડાયેલો છે.
પોલીસને ઘટનાસ્થળ નજીક એક સળગતું વાહન પણ મળ્યું. પોલીસ તપાસ કરી રહી છે કે શું હુમલાખોરોએ આ વાહનનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા ૪૮ કલાકમાં સરેમાં આ ચોથી ગોળીબારની ઘટના છે, જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ હાલમાં સંપૂર્ણ તપાસ કરી રહી છે.