ગુજરાત સરકારની મહિલા અને બાળ સુરક્ષાની મહત્વની પહેલ અંતર્ગત છેલ્લા એક વર્ષથી કાર્યરત ‘મિશન સ્માઈલ’ને રાષ્ટ્રીય સ્તરના સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ-૨૦૨૫ થી સન્માનિત કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયાએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ મિશન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયાના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનોની ૨૦ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોને સંયુક્ત રાષ્ટ્ર ની ચાઇલ્ડ સેફ્ટી કમિટીના માપદંડો મુજબ તાલીમ આપીને જિલ્લાની શાળાઓ, બાળકો અને વાલીઓને બાળ અધિકારો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. દેશભરની ૩૦૦ થી વધુ સંસ્થાઓ અને સરકારી વિભાગોના નામાંકન વચ્ચે અમરેલી પોલીસની પસંદગી થવી એ સમગ્ર જિલ્લા માટે ગર્વની બાબત છે.










































