દાંતીવાડાના ગોઢ ગામના એકાદ વર્ષ જૂના ચકચારી પ્રેમપ્રકરણમાં યુવકની હત્યાકેસમાં કોર્ટે ગઈકાલે મહત્વનો ચૂકાદો આપી નવ જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ગોઢ ગામના આ ચકચારી કેસને કોર્ટે ‘ઓનર કિલિંગ’ માની જણાવ્યું કે, આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક છે. માટે આવા ગુનાઓ સામે કાયદાની કડકાઈ જ યોગ્ય જવાબ છે, ત્યારે કોર્ટે આ કેસમાં હાલ એક સાથે ૯ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવતા આ કેસ હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
વિગતે વાત કરીએ તો, બનાસકાંઠા દાંતીવાડાના ગોઢ ગામે રહેતા મહેશ ઠાકોર નામના વ્યક્તિએ એકાદ વર્ષ પૂર્વે એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જાકે આ પ્રેમલગ્નથી યુવતીનો પરિવાર પક્ષ નારાજ હતો અને આ લગ્નથી પરિવારની બદનામી થઈ છે તેવું માનીને અંગત અદાવત રાખીને યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખુની ખેલ ખેલી નાખ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રેમલગ્નની અદાવત રાખીને યુવતીના પિયરપક્ષના અંદાજિત ૧૦-૧૨ જેટલા શખ્સો ધારિયા, પાઈપો અને લાકડીઓ જેવા તીક્ષ્ણ હથિયારો સાથે મહેશના ઘરે આવી પહોંચ્યા હતા અને ત્યાં મહેશ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આટલું જ નહીં આ જીવલેણ હુમલામાં મહેશના માતા-પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
બનાવની ફરિયાદ મળતા જ દાંતીવાડા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને બાદમાં મજબૂત પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જે બાદ છેલ્લા એક વર્ષથી આ કેસ કોર્ટમાં ચાલતો હતો, ત્યારે ગઈકાલે ૭મી ફેબ્રુઆરીને શનિવારે ડીસાની છઠ્ઠી એડિશનલ સેશન્સ કોર્ટે આ કેસ ‘ઓનર કિલિંગ’ સમાન ગણાવી નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ઓનર કિલિંગ એટલે શું? ઓનર કિલિંગ એટલે કે સામાન્ય રીતે ‘માન-સન્માન’ કે ‘આબરૂ’ના નામે પોતાના જ પરિવારના સભ્યની હત્યા કરવી. જ્યારે કોઈ વ્યક્તિ, ખાસ કરીને યુવતી, પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરે, આંતરજાતીય લગ્ન કરે, કે સમાજની પરંપરા વિરુદ્ધ જાય, ત્યારે પરિવાર કે સમુદાયના લોકો પોતાની આબરૂ બચાવવા માટે તેની હત્યા કરી નાખે છે. જાકે ખાસ આ બનાસકાંઠામાં ગોઢ ગામની ચકચારી ઘટનામાં યુવતીના પરિવારજનોએ યુવકની હત્યા કરી હોવા છતાં કોર્ટે તેને ઓનર કિલિંગ માની આ કડક ચૂકાદો સંભળાવ્યો છે.
કોર્ટે આ મહત્વનો ચૂકાદો સંભળાવતા નોંધ્યું કે, પ્રેમલગ્ન જેવા વ્યક્તિગત નિર્ણયને કારણે ઠંડા કલેજે હત્યા કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવો બંધારણીય અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આવા ગુનાઓ સામે કાયદાની કડકાઈ જ યોગ્ય જવાબ છે. જેથી તમામ પુરાવા અને દલીલોને આધારે કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ બનાસકાંઠામાંથી જ આવો એક ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં થરાદમાં પ્રેમસંબંધથી નારાજ દીકરીના પિતા અને કાકાએ સાથે મળીને જુવાનજાખ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, આટલું જ નહીં રાતોરાત તેના અંતિમ સંસ્કાર કરી આ હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે આ મામલે દીકરીના પ્રેમીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી બાદ કરતા આ મોટું રાજ ખુલ્યું હતું મામલો ખુલ્યો હતો.










































