ડિજિટલ યુગમાં વિસરાતી જતી મેદાની રમતોને પુનઃજીવિત કરવાના હેતુથી શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય રમતોત્સવ યોજાયો હતો. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને અને કન્વીનર કેતનભાઈ ખુમાણના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારી શાળાઓના ૧૦૦૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો માટે લીંબુ-ચમચી, કોથળા દોડ અને સંગીત ખુરશી જેવી પરંપરાગત સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ રમતગમતને શિક્ષણનો ભાગ બનાવવા અને બાળકોને યોગ-સૂર્યનમસ્કાર તરફ વાળવા અનુરોધ કર્યો હતો. સંસ્થા દ્વારા ટૂંક સમયમાં કાયમી ‘યોગ સેન્ટર’ શરૂ કરવાની અને આગામી સમયમાં વડીલો માટે પણ રમતોત્સવ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમે શહેરમાં શારીરિક અને બૌદ્ધિક વિકાસનો અનોખો સંદેશ વહેતો કર્યો છે.








































