આગામી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાનારા ભવનાથ મહાદેવના ઐતિહાસિક મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી દેશના સૌથી મોટા ધાર્મિક મેળાનું સુવ્યવસ્થિત  આયોજન કરવામાં આવી રહ્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભવનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષે અનેક વર્ષોથી દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યવસ્થાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવામાં આવી છે. બેઠક દરમિયાન મુખ્યત્વે શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સરળ અવરજવર માટે શું વધુ સારું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, આ વર્ષે મેળાના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રવેડી વિસ્તાર તરફથી અંદાજે ૫૦૦ મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે, જેથી ભીડનું સંચાલન સરળ બને અને દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન થાય. આ સાથે સરકાર દ્વારા વધારાની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થાની વાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દર વર્ષે આશરે ૧૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવતા હતા, જ્યારે આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ૨૯૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, ભીડ વ્યવસ્થાપન અને સેવાકાર્ય માટે ૧૦૦૦થી વધુ વોલન્ટયરો પણ હાજર રહેશે.
મેળામાં આવનાર સંતો અને ભક્તોની રહેવા-જમવાની વ્યવસ્થાઓ અંગે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આશરે ૩૦૦ જેટલા ઉતારાઓમાં જમવાની સુવ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ, પીવાના પાણીની નવી અને પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સમયે પાણીની અછત ન સર્જાય.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે ૧૧મી તારીખે સાંજે તમામ સંતોના સાનિધ્યમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના સંતોને આ યાત્રા માટે આમંત્રણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે તમામ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેઓ પોતે તેમજ તેમના સાથી મંત્રીઓ આ સ્વાગત સમારોહ અને નગરયાત્રામાં હાજર રહેશે.
અંતમાં નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, “મહાશિવરાત્રિનો ભવનાથ મેળો આપણી સંસ્કૃતિ અને આસ્થાનો પ્રતીક છે. હું રાજ્યના સૌ નાગરિકોને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન અને ઐતિહાસિક મેળામાં પરિવાર સાથે પધારી ધર્મલાભ મેળવે.”