કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આગામી બજેટ સત્ર પહેલા ૨૭ જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોના ફ્લોર લીડર્સની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદના મુખ્ય સમિતિ ખંડમાં યોજાશે. સરકાર આગામી સત્રમાં ગૃહોમાં રજૂ થનારા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ અને કાયદાકીય કાર્યો પર ચર્ચા કરશે. બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨ એપ્રિલ સુધી વિરામ સાથે ચાલુ રહેશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૨૮ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજા તબક્કો ૯ માર્ચથી ૨ એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ ૩૦ બેઠકોની અપેક્ષા છે.
૨૦૨૬-૨૭ માટેનું કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોકસભા અને રાજ્યસભાના સભ્યોને સંબોધિત કરીને થશે. બજેટ પહેલા, નાણા મંત્રાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર અગાઉ જાહેર કરાયેલા કસ્ટમ્સ ડ્યુટી દરો પર પ્રકાશ પાડ્યો હતો. અગાઉના બજેટ સત્રોમાં, ભારતને વૈશ્વીક ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવવા અને સ્થાનિક ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. વધુમાં, અન્ય ઘણા ઉદ્યોગોએ પણ બજેટમાં સકારાત્મક જોગવાઈઓની આશા વ્યક્ત કરી છે.










































