તાજેતરમાં બારડોલી સત્યાગ્રહ છાવણીની મુલાકાત લીધી. સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક એક પાનું આર્ટ ગેલેરીમાં જોતા જોતા ભારતના સ્વતંત્રતા સંગ્રામની ગાથાઓમાં અનેક નામ ગુંજે છે. પરંતુ કેટલીક એવી મહાન આત્માઓ છે જેમણે ઇતિહાસ ઘડ્યો છતાં ઇતિહાસમાં પોતાનું નામ લખાવ્યું નથી. એવી જ એક અદૃશ્ય પરંતુ અડગ શક્તિનું નામ છે ભીખીબેન પટેલ. બારડોલી સત્યાગ્રહની આત્મા બની રહેલી આ નારીશક્તિએ સાબિત કર્યું કે નેતૃત્વ હોદ્દાથી નહીં, પરંતુ હિંમત અને સંકલ્પથી જન્મે છે.
૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ સમયે અંગ્રેજ સરકાર દ્વારા જમીન કરમાં અન્યાયી વધારો કરવામાં આવ્યો. ખેડૂત સમાજ પર આર્થિક અને માનસિક ત્રાસનો પહાડ તૂટી પડ્યો. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું, પરંતુ આ સંઘર્ષને જીવંત રાખનાર શક્તિ હતી, ગ્રામીણ મહિલાઓ. આ મહિલાઓને સંગઠિત કરવાનું, તેમને અડગ રાખવાનું અને અન્યાય સામે ઊભા રાખવાનું કાર્ય ભીખીબેન પટેલે કર્યું.
ભીખીબેન પટેલ કોઈ મંચ પર ભાષણ આપનારા નેતા ન હતા. તેઓ તો ગામેગામ ફરીને સ્ત્રીઓને સમજાવનારા, તેમને આત્મસન્માનની ભાષા શીખવનારા અને ભયને હિંમતમાં ફેરવનારા માર્ગદર્શક હતા. જ્યારે પુરુષો પર દબાણ વધતું, ત્યારે ભીખીબેન મહિલાઓને કહેતા –
“ઘર જાય તો જાય, પરંતુ ઇજ્જત, એકતા અને સત્ય ન જવું જોઈએ.”
આ શબ્દો સ્ત્રીઓના હૃદયમાં દીવો બની પ્રગટ્યા.
જ્યારે અંગ્રેજ અધિકારીઓ ઘર જપ્ત કરવા, પશુ લઈ જવા અને જમીન કબજે કરવા આવ્યા, ત્યારે સૌથી પહેલા રસ્તામાં ઊભી રહેનાર મહિલાઓ હતી. લાઠી, ધમકી અને અપમાન સામે પણ તેઓ શાંતિપૂર્વક અડગ રહ્યા. આ અડગતાની પાછળ ભીખીબેન પટેલનું મજબૂત નેતૃત્વ હતું, જે મહિલાઓને શિસ્ત, સહનશીલતા અને સાહસ શીખવતું.
આ જ મહિલાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને પ્રેમ અને વિશ્વાસથી “અમારા સરદાર” કહી સંબોધ્યા. આ બિરૂદ કોઈ સત્તાનું નહતું, પરંતુ સંઘર્ષમાં વિશ્વાસનું પ્રતિક હતું. સરદાર પટેલની સરદારી પાછળ ભીખીબેન પટેલ અને બારડોલીની મહિલાઓની હિંમત, ત્યાગ અને સંકલ્પ છુપાયેલા હતા.
આંદોલન પછી પણ ભીખીબેન પટેલે સમાજસેવામાં સતત યોગદાન આપ્યું. તેમણે મહિલાઓમાં શિક્ષણ, સ્વાભિમાન અને એકતાના સંસ્કાર રોપ્યા. તેમની પ્રેરણાથી અનેક મહિલાઓ જાહેર જીવનમાં આગળ આવી અને ગામડાંમાં સામાજિક ચેતના મજબૂત બની.
દુર્ભાગ્યે, ભીખીબેન પટેલનું નામ ઇતિહાસના પાનાંઓમાં બહુ ઓછું જોવા મળે છે. પરંતુ બારડોલીની માટી આજે પણ તેમના પગલાંની સાક્ષી આપે છે. તેમણે ગ્રામીણ મહિલાઓને રાજકીય રીતે
જાગૃત કરી, તેમને સંઘર્ષની ભાગીદાર બનાવી અને સાબિત કર્યું કે નારીશક્તિ ફક્ત સહન કરવાની નથી, તે ઇતિહાસ ઘડવાની પણ શક્તિ ધરાવે છે.
ભીખીબેન પટેલ માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ એક વિચાર છે. એવો વિચાર જે કહે છે કે ઇતિહાસ ઘણીવાર મૌન લોકો દ્વારા રચાય છે. અને આવી મૌન પરંતુ મહાન શક્તિઓને ઓળખવી, યાદ રાખવી અને આવનારી પેઢી સુધી પહોંચાડવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.













































