સાવરકુંડલા PGVCL કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી પર બે શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. વાડીના મીટરમાં પાવર ન આવતો હોય રિપેરીંગ કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને બે શખ્સોએ ઓફિસમાં ઘૂસી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે મોહનભાઇ મુળજીભાઇ વાળા (ઉ.વ.૫૪)એ પ્રફુલ્લભાઇ બાબુભાઇ વિરાણી તથા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલા PGVCL કચેરીમાં જ્યારે કર્મચારી ફોલ્ટ કોલ સેન્ટરની પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે આરોપીએ ફોન કરીને જણાવ્યું હતું કે તેમની વાડીના મીટરમાં પાવર આવતો નથી. કર્મચારીએ નિયમ મુજબ ફરિયાદ નોંધી હતી. જોકે, આરોપીએ ‘આજે જ રિપેરીંગ કરી આપો’ એવી જીદ કરી હતી, જેની સામે કર્મચારીએ જણાવ્યું હતું કે ‘કામ આજે થશે અથવા સોમવારે થશે’. આ જવાબથી ઉશ્કેરાઈને બંને આરોપીઓ સીધા PGVCL કચેરીએ ધસી આવ્યા હતા. ત્યાં આવીને કર્મચારીને બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે કર્મચારીએ ગાળો આપવાની ના પાડી, ત્યારે પ્રફુલ્લભાઈ વિરાણીએ કર્મચારીને ટીફીન વડે આડેધડ માર માર્યો હતો. અન્ય આરોપીઓ લોખંડના પાઈપ અને ડીઓ રોડ વડે કર્મચારીના વાંસા અને ખંભાના ભાગે ફટકા મારી ઈજા પહોંચાડી હતી.








































