બગસરાના અનેક વિસ્તારોમાં લારી ગલ્લા અને રેકડી ધારકો દ્વારા દિન પ્રતિદિન દબાણ વધારવામાં આવી રહ્યું હતું તેવા સમયે ગાંધીનગરથી બગસરામાં દબાણ હટાવવાનીની કામગીરી બાબતે રિપોર્ટ માંગવામાં આવ્યા બાદ આજે બગસરામાં દબાણ હટાવી એક મુખ્ય માર્ગને ખુલ્લો કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. બગસરા શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ મુખ્ય બજારોમાં વેપારીઓ તેમજ નાના દુકાનદારો અને લારીગલ્લા વાળા લોકોએ બગસરાના રસ્તાઓને સાંકડા કરી દીધા હતા આ બાબતે અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા, ગાંધીનગરથી બગસરામાં દબાણ હટાવવાની કામગીરી બાબતે અહેવાલ માગવામાં આવ્યો હતો. જેને પગલે આજે બગસરા નગરપાલિકાએ શહેરના મુખ્ય અવરજવરના માર્ગ શાકમાર્કેટ રોડ પર આવેલ લારી ગલ્લા ધારકના દબાણો હટાવી દીધા હતા. આ સમયે થોડીવાર માટે ઘર્ષણ થયું હતું પરંતુ આખરે તંત્રએ લાલ આંખ કરતાં દબાણ ધારકોએ પોતાનું દબાણ સ્વૈચ્છિક હટાવી લેવા તૈયારી બતાવી દીધી હતી. જેને લીધે દબાણમાં આવી ગયેલો એક મુખ્ય માર્ગ ખુલ્લો થઈ ગયો હતો. હજુ બગસરાના મુખ્ય રસ્તાઓ જેવા કે બસ સ્ટેન્ડ પાછળનો માર્ગ, હોસ્પિટલ રોડ,વિજય ચોકથી નદીપરાનો મેઇન રોડ, સ્ટેશન રોડ સહિતના મુખ્ય રસ્તા પર દબાણ કરી રહ્યું છે તંત્ર હવે આ વિસ્તારમાં પણ તાત્કાલિક દબાણ હટાવવા માટે કામગીરી શરૂ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.