આમ તો આપણે એવું બોલીએ છીએ કે હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે પણ આ બન્ને વિરોધાભાષી શબ્દો હોવા છતાં બન્નેની હાજરી જ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જાય છે. વાસ્તવિક જીવનમાં આપણી આસપાસની અનેક ઘટનાઓમાં જોઈ શકાય છે કે હકની વાત સૌને યાદ હોય છે પણ ફરજ નિભાવવાની વાત ઘણીવાર ભૂલાઈ જતી હોય છે. હક માટે ઘણા બધા લોકો અવાજ ઉઠાવતા હોય છે પણ ફરજ પાલન માટે બહુ ઓછાં લોકો અવાજ ઉઠાવે છે કારણ કે હકમાં કૈંક મેળવવાનું હોય છે જ્યારે ફરજમાં ત્યાગની ભાવના અને ઘસારો લેવો પડે છે. હાલના સમયમાં હક માંગવા પડે છે અને ફરજ માટે ફરજિયાત ફરજ પાડવી પડે છે. આ તંદુરસ્ત સમાજની નિશાની નથી. જ્યારે હક માંગવા જ ન પડે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવાય અને દરેક નાગરિક સ્વેચ્છાએ રાજી ખુશીથી હસતા મુખે ફરજપાલન કરતા થાય ત્યારે બધી ફરિયાદ બંધ થાય.
મિત્રો, જીવનનું સૌંદર્ય હક અને ફરજ નામના બે શબ્દોમાં જ છુપાયેલું છે. આ બે શબ્દો બોલવામાં ખૂબ નાના છે, પરંતુ જીવનને ઘડવામાં એટલા જ મોટા છે, આત્મસાત કરવા ખૂબ આકરા છે. આમ જોવા જઈએ તો હક એ આપણું અસ્તિત્વ છે. માણસ જન્મે ત્યારે તે પોતાની સાથે ઘણાં હક લઈને આવે છે. ઉછેરનો હક, સન્માનનો હક, સુરક્ષાનો હક, શિક્ષણનો હક, સ્વતંત્ર વિચારવાનો હક વગેરે અનેક પ્રકારના હક એ માણસને પોતાની ઓળખ આપે છે. હક વગરનો માણસ પાણી વગરના કમળ જેવો ગણાય છે. જીવી તો શકે, પરંતુ ખીલી શકે નહિ. પરંતુ પ્રશ્ન એ નથી કે હક કેટલા છે, પ્રશ્ન એ છે કે; શું આપણે હકનો ઉપયોગ ફરજના માર્ગે ચાલીને કરીએ છીએ? કેમ કે ફરજ તો જીવની જવાબદારી છે. મિત્રો, ફરજ વગરનું જીવન અધૂરું છે. ફરજ એટલે વિવિધ પ્રકારની જવાબદારીઃ પરિવાર પ્રત્યેની, સમાજ પ્રત્યેની, કાર્યસ્થળ પ્રત્યેની અને આપણા દેશ પ્રત્યેની. સંતાનો માટે માતા–પિતાની સેવાની ફરજ, વિદ્યાર્થીઓ માટે અભ્યાસની ફરજ, કર્મચારીઓ માટે ઈમાનદારીથી કામ કરવાની ફરજ, નાગરિકો માટે દેશના કાયદાનું પાલન કરવાની ફરજ અને માનવ તરીકે માનવતા જાળવી રાખવી એ પણ દરેક મનુષ્યની નૈતિક ફરજ છે. વળી જાહેર મિલકતનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આ ઉપરાંત વડીલો પ્રત્યે આદરભાવ રાખવો, દરેકનું માન સન્માન જળવાઈ રહે એ પ્રકારનું વર્તન રાખવું, જરૂરિયાતમંદોને શક્ય એટલી મદદ કરવી, પ્રેમ દયા અને કરુણા સાથે જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર અને ધર્મના નીતિ નિયમોનું પાલન કરવું વગેરે અનેક પ્રકારની નૈતિક ફરજ એ જ માણસનો સાચો ધર્મ છે. આમ નિષ્ઠાથી વિવિધ જવાબદારી વહન કરવી એ જ આપણી ફરજ અને એ જ માનવ ધર્મ છે. યાદ રાખજો જ્યાં ફરજ મજબૂત હોય છે, ત્યાં હક પોતે આવીને દરવાજે ઊભો રહે છે. જીવનમાં બંનેનું સંતુલન જરૂર છે. સામાન્ય સંસારી મનુષ્ય તરીકે જો માત્ર હકની જ વાત કરીએ તો જીવન સ્વાર્થભર્યું થઈ જાય અને જો માત્ર ફરજમાં જ ગળાડૂબ રહીએ તો જીવન ભારરૂપ થઈ જાય. પણ અમુક ઓલિયા પુરુષ કે જેઓ માત્ર પરમાર્થના કાર્યો કરીને સેવારૂપી ફરજ બજાવે છે તેઓને હકની પરવા હોતી નથી માટે જ લોકોમાં પૂજનીય હોય છે. જીવનનું સાચું સર્જન ત્યારે થાય છે જ્યારે હક અને ફરજનું તુલાત્મક સંતુલન જળવાય. આજના સમયમાં શું ખૂટે છે? આધુનિક જીવનમાં લોકો હક માટે તો અવાજ ઉંચો કરે છે, પણ ફરજ માટે મૌન રહી જાય છે. વિદ્યાર્થીને પરિણામનો હક જોઈએ છે, પણ મહેનતની ફરજ ભૂલી જાય છે. નાગરિકને સુવિધાઓ જોઈએ, પણ કાયદાનું પાલન કરવાની ફરજ ભૂલી જાય છે. કાર્યસ્થળે કર્મચારીને પગાર વધારાનો હક જોઈએ છે, પણ ઈમાનદારીની ફરજ ક્યાંક છૂટી જાય છે. ત્યારે આપણે એક વાત કાયમ મનમાં યાદ રાખવી જોઈએ કે ફરજ એ બીજ છે અને હક એ તેનું ફળ. બીજ વગર ફળ ક્યાંથી ઉપજશે? હક માંગવાથી સગવડતા મળે પણ ફરજ નિભાવવાથી મનમાં સંતોષ મળે અને સંતોષ એ જ સાચું સુખ છે.
પરિવાર હકથી નહીં, ફરજથી ટકી રહે છે.
સમાજ હકથી નહીં, કર્તવ્યપાલનથી વિકસે છે.
અને દેશ હકથી નહીં, નાગરિકોની ફરજથી મહાન બને છે.
હક છે આપણો એમ કહીએ
તો સૌ કોઈ માને,
ફરજ છે આપણી એમ કહીએ તો ઘણા ટાળે.
હક અને ફરજ બંને જીવનની બે આંખો છે.
એક બંધ હોય તો દૃષ્ટિ અધૂરી થઈ જાય,
અને બંને ખૂલેલી હોય તો
જીવનમાં પ્રકાશ ફેલાય.
હક એટલે લેવું અને ભોગવવું
ફરજ એટલે આપવું અને ત્યજવું.












































