તમારી પાસેથી કંઈક પડાવી લેવાનો ઇરાદો તો ગરીબનો અને અમીરનો બંનેનો સરખો જ હોય છે. તમે એકવાર આર્થિક રીતે થોડા ડાઉન થઈ જજો એ ગરીબ પણ તમને કહેતો થઈ જશે કે ફોન કરીને આવજો અને જાઓ પછી બીજી વાર જવાનું મન ન થાય એવું પણ કંઈક એ કરશે. તમારા ડાઉન થવાથી અમીર અને ગરીબ બંને એક સરખા રાજી થશે. કદાચ અમીર ઓછો રાજી થશે.
પણ આપણે અમીરની સરખામણીએ હંમેશાં ગરીબને જ ઊંચો ગણીએ છીએ. કારણ કે આપણને એમ લાગે છે કે ગરીબને પડ્‌યા ઉપર પાટુ મારવાનો કોઈ મતલબ નથી. ગરીબો એટલા માટે ગરીબીમાં છે કે એનામાં ગરીબ હોવાની પાત્રતા છે. એટલે જ એ ગરીબ છે. પણ તમને એવી બીક પણ હોય છે કે ગરીબની ટીકા કરવાથી કોઈ તમને દયાહીન કહેશે. ગરીબની ટીકા કરવાથી કોઈ તમને મર્દ અથવા તો મહાન કહેશે નહીં એવી તમને બીક છે. જે રીતે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી વિશે કંઈક ને કંઈક સારું બોલતા રહેવાની ફેશન છે એ જ રીતે અમીર સમાજમાં ગરીબોમાં કંઈક ને કંઈક સારું શોધી કાઢીને તેને વધારે પડતું હાઈલાઈટ કરીને બોલવાની કે લેખકોમાં લખવાની ફેશન છે. તમે ગરીબોમાં રહેલા કેટલાક અપવાદોને હાઈલાઈટ કરો છો અને જાણે તે સાર્વત્રિક હોય તે રીતે તમારી વાત લોકપ્રિય થઈ જાય છે. પણ સત્ય જુદું છે.
ગરીબો તમને એટલા માટે સારા લાગે છે કે તમારી સાથેનું એનું વર્તન ખુબ સારું છે અને કેટલીક વાર તો ચમચાગીરીની હદે એ લોકો જતા હોય છે એટલે તમને એ લોકો મીઠા લાગે છે અને તમે એનું કંઈક ને કંઈક સારું બોલો છો અને એ સારું પણ વધારી વધારીને બોલો છો. બાકી ગરીબને ગોલાં પણ કહેવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે ગરીબના શરીરમાં અમુક ચોક્કસ જગ્યાએ દાંત હોય છે. (ઓરીજીનલ કહેવત સાંભળવા માટે રૂબરૂ મળો.)
તમે તટસ્થ રીતે જુઓ તો ગરીબ કરતાં અમીરમાં સારપ વધુ હશે. મોટાભાગે એ તમારી પાસેથી કંઈક પડાવી લેવાની ભાવના ધરાવતો નહીં હોય. તમારો ઉપયોગ કરી લેવાની ગણતરી અમીરમાં મોટાભાગે નહીં જોવા મળે. એ તમારો ઉપયોગ કરશે તો પણ તમને કંઈક આપીને ઉપયોગ કરશે. અને ગરીબો લુખ્ખા-લંતર હોય છે. એ તમને આપી શકે એમ હોય એવી વસ્તુ પણ નહીં આપે. અને આપશે તો એની પાછળ બહુ મોટો સ્વાર્થ હશે. અને એ સ્વાર્થ પૂરો થયા પછી ગરીબનું તમારી સાથેનું વર્તન બદલાઈ જશે. તમે દાખવેલી સારપનો સારો બદલો ગરીબ પાસેથી મળશે એવી શક્યતા બહુ ઓછી છે. પણ તમારી જ કૃપાથી ઉછરેલો અને આગળ આવેલો ગરીબ તમારી જ વિરુદ્ધમાં ચાલ્યો જાય અને તમારી માથે ચડી બેસવાની પણ કોશિશ કરે એમ બનવાની સંભાવના વધુ હોય છે.
તમારી મદદથી જો એ અમીર બની ગયો તો પછી એ તમારા કરતાં ચડિયાતો બનવાની અને તમને ડાઉન કરવાની પૂરતી કોશિશ કરશે અને એમાં તે રાજકારણ રમશે. તમારા દુશ્મન બનવાની હદ સુધી પણ એ જશે. તમે એને મદદ કરી હતી એ તો કંઈ નથી એવું સાબિત કરવાની એ કોશિશ પણ કરશે. તમે એને કરેલી મદદ વિશે સમાજને ખબર ન પડે એવા પ્રયત્નો પણ એ કરશે. એટલું જ નહીં એણે પણ તમારી ઉપર કંઈક ઉપકાર કર્યો હોય એવી ખોટી સ્ટોરીઓ પણ ઉપજાવી કાઢશે.
અમીરો આવું બધું કંઈ કરતા નથી એ તો બસ તમને કંઈક આપીને ભૂલી જાય છે. અને એટલે જ એ અમીર છે. અને ગરીબો તમારું ખાઈ ખાઈને પણ ભૂલી જાય છે એટલે જ એ ગરીબ છે.
ગરીબી એ કોઈ આર્થિક સ્થિતિ નથી. એ માનસિક સ્થિતિ છે. ગરીબ પાસે ગમે તેટલો પૈસો હશે પણ એ તમારી પાસેથી કંઈક ને કંઈક પડાવી લેવાની ફિરાકમાં જ હશે અને તમારી પાસેથી પડાવી શકાય એવી કોઈ સ્થિતિ નહીં હોય તો એ તમને છોડી દેશે. જ્યારે અમીર માણસ ખિસ્સેથી ગમે તેટલો ખાલી થઈ ગયો હશે તો પણ એ તમને કશુંકને કશુંક આપવાની ફિરાકમાં હશે. અમીરી અને ગરીબી મનમાં હોય છે. એને તમારી આર્થિક સ્થિતિ સાથે કોઈ લેવા-દેવા નથી.
naranbaraiya277@gmail.com