‘‘બોસ, હવે મારે ગુજરાતમાં રહેવું નથી. અહીં મારું કોઈ કરતાં કોઈ હાંભળતુ જ નથી. મારે બિહાર જવું છે.’’
બકાએ આવીને બોસ આગળ કાયમી વ્યથા ઠાલવી.
‘‘અરે બકા, તું બિહારનો મતદાર છો? કે ‘તો કેમ નથી. બિહાર વાળાઓ ગુજરાતમાં આવીને મતદાતાઓ બને છે. અને તું ઠેઠ બિહારનો મતદાર બન્યો? તારે ન્યાં મત દેવા જોવું હશે તો ભેંસ ઉપર બેહીને જાવું પડશે. લાલુ પ્રસાદ યાદવના એક સગા કેદાર પ્રસાદ યાદવ ભેંસ ઉપર બેહીને મત આપી આવ્યા. તે વીડિયો જોયો કે નહીં!?? અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. વાર પરબે મંત્રીમંડળ બદલે છે. ક્યાંક ક્યાંક રોડ ઉપરનાં ખાડાય બુરે છે અને આયોજનમાં તો તે ભપકો જોયો જ છે. પછી તને અહીં રે’વામાં વાંધો શું છે??’’
‘‘મારે ન્યાં મત દેવા નથી જોવું!’’
‘‘બકા, મત આપવો આપણો અધિકાર છે. મત તો આપવો જ જોઈએ. અને આપણા મોદી સાહેબ ન્યાં’ય રેલીઓ કરે જ છે. પછી તને વાંધો હું પડ્યો?
ન્યાં મોટા મોટા બાહુબલીઓ લડે છે, એટલે મત નથી દેવો ? બિહારમાં નાના માણસો અને હારા માણસો હાલે જ નઈ. જેલવાળા જ હાલે. પણ, તું ચિંતા કરતો નય. ગુજરાતવાળાને એ નહીં નડે. ગુજરાતમાં ઘાસચારો ઓછો મળે છે.’’
‘‘બોસ બોસ, મારે મતેય આપવો નથી અને હું બિહારનો મતદારેય નથી.’’
‘‘લો કરો લો બાત!! આ તો ભેંસ ભાગોળે જેવું થયું.
પણ તે તો કહ્યું ને કે, મારે બિહારમાં જાવું છે. મને થયું કે, બિહારમાં આજકાલ ચૂંટણી હાલે છે, તો તારે મત આપવા જવો હશે. પણ, હવે એ તો કહે તારે બિહારમાં જાવું છે કેમ?’’
‘‘સરકારે ટેકાના ભાવ અને તારીખ જાહેર કર્યા, એમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું નામ છે. આનું મારે વાવેતર નથી. તો મારે શું કરવું? મારો કપાસ પાણીમાં ધોવાય ગયો છે. સરકાર સહાય તો ચૂકવતી નથી.’’
‘‘બકા, ધીરો ખમ, ધીરો પડ. સરકાર એનામાંથી નવરી પડશે એટલે સહાય આપવાની જ છે. આમ ઉતાવળે ગુજરાત થોડું છોડી દેવાય.’’
‘‘બોસ, સરકાર સહાય આપશે તોય ખાવાનાં થાહે નય. મોબાઈલ અને લાઈટના બિલ ક્યાંથી ભરીશું?’’
‘‘હા પણ, તું બિહારમાં જઈને શું કરીશ ? બાહુબલી હારે કામ કરવું હોય તો આવાં બાહુબલી તો હવે આપણે ત્યાંય રાજકોટ, સુરત અને અમદાવાદમાં ઊભાં થવાં લાગ્યાં છે. એનાં ભેગો જા. ફટાકડી ફોડતાં આવડવું જોઈએ.’’
‘‘બોસ, તમને હું હાવ એવો લાગું છું? ’’
‘‘તો પછી તારે બિહાર કેમ જાવું છે?’’
‘‘મારે ન્યાં જઈને ચાનો ધંધો કરવો છે.’’
‘‘બકા, ચા વાળો ગુજરાતનો વખાણાય છે. બિહાર તો ઘાસચારાથી પ્રખ્યાત છે. તારે ચાનો ધંધો કરવો હોય તો અહીં કર.’’
‘‘બોસ તમને કેમ કરીને કહું કે, બિહારમાં ચાનો ધંધો અલગ રીતે હાલે છે. તમે ચાનાં ધંધામાંથી ઘડીકમાં કરોડપતિ બની જાવ છો.’’
‘‘એમ તો ગુજરાતમાં ચા વાળા કરોડપતિ શું વડાપ્રધાન પણ બની જવાય છે. પણ, તારાં મનમાં બીજું જ કાંઈક હાલી રહ્યું છે. શું વાત છે બકા ?’’
‘‘આપડે ન્યાં ચાની લારીઓ ઠેક ઠેકાણે છે. અને હંધાયને જબરી ગરાગી ‘ય છે. પણ ! આજ સુધીમાં કોઈ ચા વાળો કરોડપતિ બન્યો ખરો? ’’
‘‘બકા, ચા વાળા કરોડપતિ કેમ બને !?’’
‘‘તો હાલો મારી હારે બિહાર. તમને ચા વાળો કરોડપતિ બતાવું.’’
‘‘જરા માંડીને વાત કરીશ? કે આખરે વાત શું છે?’’
‘‘બિહારના ગોપાલગંજમાં એક ચાની કીટલી છે. અભિષેક કુમાર અને આદિત્ય કુમાર ચા બનાવે અને વેચે. પણ પોલીસ વાળાને એ ચા વાળા ચા વાળા, નહોતાં લાગતાં. પોલીસે એમના ઘરે રેડ પાડી તો પોલીસની શંકા હાચી પડી.
એમનાં ઘરેથી એક કરોડ કરતાં ‘ય વધારે રકમ રોકડમાં મળી. ૩૫૦/- ગ્રામ સોનું, બે કિલો ચાંદી મળી આવી. પોલીસ તો પોલીસ હોય છે. (જો હાચી થાય તો.) પોલીસે વધારે ખાંખાંખોળા કર્યા.
તો મોટી પોલીસ પણ ચોંકી ગઈ. ૮૫ એ.ટી.એમ. કાર્ડ, ૭૫ બેંકની પાસબુક, ૨૮ અલગ અલગ ચેકબુક. બાકી તો કેટ- કેટલું ‘ય મળી આવ્યું.’’
‘‘હા પણ આ બધું મળવાથી કરોડપતિ બની જવાય?’’
‘‘તમે હમજયા નહીં બોસ. આ લોકો બન્ને ભાઈઓ સાયબર ઠગ હતાં. એક ભાઈ દુબઈમાં બેઠો બેઠો આ આખેઆખું કમઠાણ ચલાવતો હતો. અને એક ભાઈ બિહારમાં ચા વેચતાં વેચતાં મુરઘા ગોતતો હતો.’’
‘‘તો..ઓ.. શું તારેય સાયબર ઠગ બનવું છે?’’
‘‘સરકાર કાંઈ હામુ નય જોવે તો વિચારવું તો પડશે ને!!!’’
kalubhaibhad123@gmail.com









































