ગાંધીનગર હંમેશા વાઈબ્રન્ટ મહોત્સવો અને સરકારી કાર્યક્રમોની ચમકથી જાણીતું રહ્યું છે. આવા પ્રસંગો દરમિયાન મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને ફૂલોથી સજાવવાની પરંપરા રહી છે, જે દેશ-વિદેશના મહેમાનોના મનમાં શહેરની એક સુંદર છાપ મૂકે છે. હવે આ સૌંદર્યનો આનંદ સામાન્ય નાગરિકો પણ ઉઠાવી શકે, તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વિશાળ સ્તરે ફ્લાવર શો યોજવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ શોનો પ્રારંભ થશે અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. એટલે કે, નવા વર્ષની શરૂઆત ગાંધીનગરવાસીઓ ફૂલોની સુગંધ અને રંગીન વાતાવરણ વચ્ચે કરી શકશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષોથી વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરે છે. છેલ્લા શોમાં દેશ-વિદેશના ૧૫ લાખથી વધુ ફૂલ-છોડના રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, કેક્ટસ, જરબેરા જેવા અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોનો સમાવેશ હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આ જ ધોરણ પર પોતાનો પ્રથમ ફ્લાવર શો યોજવા તૈયારી કરી રહ્યું છે. વિવિધ પ્રજાતિના ફૂલો ઉપરાંત અહીં અનોખા સ્ટ્રક્ચર અને થીમ આધારિત ડિઝાઇન પણ તૈયાર કરાશે. ગુજરાતની આગવી ઓળખ અને દેશની સિદ્ધિઓ દર્શાવતા આ સ્ટ્રક્ચર આ શોની વિશેષતા બનશે.ગયા વર્ષે પણ સેક્ટર-૧ના તળાવ વિસ્તારમાં ફ્લાવર શો યોજવાની તૈયારી થઈ હતી. તે સમયે આશરે ૨ કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની હતી, પરંતુ અચાનક કારણોસર આ પ્રોજેક્ટ અટકાવી દેવાયો હતો. હવે ૨૦૨૫માં ફરીથી નવી ઉર્જા અને વધારેલા બજેટ સાથે સરિતા ઉદ્યાન ખાતે આ આયોજન થવાનું નક્કી થયું છે. ગયા વર્ષે જ્યાં ફ્લાવર શો માટે રૂ. ૨ કરોડનો ખર્ચ ધોરણ નક્કી કરાયો હતો, ત્યાં હવે આ વર્ષે તે વધીને રૂ. ૪થી ૫ કરોડ સુધી પહોંચી શકે છે. મ્યુનિસિપલ સૂત્રો અનુસાર, આ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વધેલા ખર્ચને કારણે શો વધુ વૈભવી અને આકર્ષક બનવાની શક્યતા છે.ગાંધીનગરમાં આવો ફ્લાવર શો માત્ર દૃશ્ય સૌંદર્ય પૂરતું નહીં પરંતુ પર્યટન, પર્યાવરણ અને સાંસ્કૃતિક ગૌરવને પણ પ્રોત્સાહન આપશે તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યું છે. નાગરિકો, વિદ્યાર્થીઓ અને કુદરતપ્રેમી લોકોને ફૂલોની વિવિધ પ્રજાતિઓ વિશે જાણવાની તક મળશે. સાથે સાથે શહેરમાં સ્વચ્છતા અને હરિયાળી પણ લોકોનું ધ્યાન ખેંચશે.








































