ઊના પંથકમાં છેલ્લા ૫ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અતિવૃષ્ટિથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે અને ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. જમીનનું પેટાળ પણ પાણીનો સંગ્રહ કરી નથી શકતું. આવા સંજોગોમાં ખાપટ ગામની પરિસ્થિતિ અલગ જોવા મળતી હોય તેમ ડંકીમાંથી આપમેળે પાણી નીકળવા લાગ્યુ છે. ખોડિયાર મંદિર પાસે ચંદ્રજીત સંગ્રામભાઈ ઝાલાની વાડીમાં આવેલ ૯૫ ફૂટ ઉડો કૂવો છલોછલ ભરાઈ ગયો છે અને કૂવામાંથી પાણી બહાર વહેતા થયા છે. ઊના તાલુકાના લગભગ તમામ ગામો પાણીમય બની ગયા છે. જો સરકાર વહેલી તકે ખેતરોનો સર્વે કરે તો ખેડૂતો ખેતરોમાંથી માંડવી કાઢી શકે તેવી માગણી થઇ રહી છે.









































