ગુજરાતમાં આજે (૦૧ નવેમ્બર ૨૦૨૫) મેઘરાજાએ અનેક જિલ્લાઓને ધમરોળ્યું છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો તળાજાનું કામરોલ ગામ સંપર્કવિહોણું બની ગયું છે.ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. નદીના પાણી ગામમાં વહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે છેલ્લા દોઢ દિવસથી નદી બે કાંઠે વહી રહી છે. કેટલાક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.ગામમાં નદીની જેમ પાણી વહેતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઈમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. સરપંચ અશોકસિંહ સરવૈયાએ તંત્ર પાસે મદદ માગી છે. અનેકવાર બ્રિજની માગ છતાં હજુ સુધી બ્રિજ ન બનતા સ્થિતિ વણસી છે.ભાવનગર ઉપરાંત બોટાદમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. ગઢડામાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. છેલ્લા ૫ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા છે અને સતત કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.આ સિવાય વડોદરામાં સતત ચોથા દિવસે માવઠાના માર પડ્યો છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અલકાપુરી, માંજલપુર, સમા, ગોરવા સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ઓફિસ જતા લોકોને પડી ભારે હાલાકી પડી છે. નોંધનીય છે કે , ૨૪થી ૩૬ કલાકમાં હજુ પણ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્્યતા છે. હવામાન વિભાગે આજથી આગામી થોડા દિવસો સુધી ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે, સાથે જ ભારે પવન પણ સાથે રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ હોવાની સંભાવના છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ ફેલાઈ શકે છે, અને ગાજવીજ અને ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા છે.










































