નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હાઈવે આધુનિકીકરણના વિઝન હેઠળ ગુજરાતમાં દેશની પ્રથમ મલ્ટી-લેન બેરિયર-ફ્રી ટોલ કલેક્શન સિસ્ટમ સાકાર થવા જઈ રહી છે. સુરતના કામરેજ પાસે આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે ૨ ફેબ્રુઆરીથી આ હાઈટેક સુવિધાનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
અત્યાર સુધી ટોલ પ્લાઝા પર વાહનોએ ઉભા રહેવું પડતું હતું અને બેરિયર ખૂલવાની રાહ જાવી પડતી હતી. પરંતુ નવી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારના બેરિયર (આડા અવરોધ) હશે નહીં. વાહનો પોતાની સ્પીડ ઘટાડ્યા વગર જ સીધા પસાર થઈ શકશે. આગામી ૧૫ દિવસમાં આ સિસ્ટમ પૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.
એનએચએઆઇના જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમમાં એએનપીઆરટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં હાઈવે પર લાગેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા વાહનની નંબર પ્લેટને આપોઆપ સ્કેન કરશે. આ સ્કેનિંગ થતાની સાથે જ વાહનના ફાસટેગ સાથે જાડાયેલા ખાતામાંથી ટોલની રકમ ઓટોમેટિક ડેબિટ થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની માનવીય દખલગીરીની જરૂર પડશે નહીં
નવા સિસ્ટમથી વાહનચાલકો ૮૦ કિમી/કલાકની ઝડપે ટોલ પ્લાઝા પસાર કરી શકશે. સરકારના અંદાજ મુજબ, આ ટેકનોલોજીથી દેશમાં અંદાજે ૧૫૦૦ કરોડ રૂપિયાના ઇંધણની બચત થશે અને ૬૦૦૦ કરોડ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થશે. તાઇવાનની એફઇટીસી એજન્સીના ૨૫ નિષ્ણાતોની ટીમ આ પ્રોજેક્ટ પર સપ્ટેમ્બર મહિનાથી કામ કરી રહી છે.
કેન્દ્ર સરકાર ૨૦૨૬ના અંત સુધીમાં ભારતના ૧૦૫૦થી વધુ ટોલ પ્લાઝાને આ એઆઇ બેઝ્ડ મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં બદલવાની યોજના બનાવી રહી છે, જેની શરૂઆત ગુજરાતના સુરતથી થઈ રહી છે.







































