સોમનાથ-પ્રભાસ પાટણ ખાતે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે હાથ ધરાયેલા કોરિડોર પ્રોજેક્ટમાં અવરોધરૂપ ઇમારતોનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મધરાત્રે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. રાત્રે ત્રણ વાગ્યે સોમનાથ મંદિરના દિગ્વિજયદ્વાર પાસે ત્રણ દુકાનો, એક ધાર્મિક સ્થળ અને છ મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ડિમોલેશન અગાઉ મિલકતધારકોને જાણ કરવામાં આવી હતી અને નિયમ મુજબ કાર્યવાહી કરી યોગ્ય વળતરની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન એક ડીવાયએસપી, ત્રણ પીઆઇ, છ પીએસઆઇ સહિત એલસીબી અને અન્ય પોલીસ બ્રાન્ચનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ કામગીરીમાં આઠ જેસીબી અને વીસ ટ્રેક્ટર સહિતના સાધનો ઉપયોગમાં લેવાયા હતા. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.