સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-લખતર રોડ પર બનેલી હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં અરેરાટી ફેલાઈ છે. દેદાદરા ગામ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિનું પણ સારવાર દરમિયાન મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.મૃતક રવિભાઈ પરમાર લખતર તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. વઢવાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને શોધવા તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ રવિભાઈ પરમાર પોતાની પત્ની દીપિકાબેન પરમાર અને પુત્ર દિવ્યેશ સાથે બાઈક પર લખતરથી સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. વઢવાણ-લખતર રોડ પર દેદાદરા ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી અથવા સામેથી આવેલા અજાણ્યા વાહને તેમની બાઈકને જારદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક સવાર પરિવાર રસ્તા પર પટકાયો હતો. અકસ્મતમાં દીપિકાબેન અને તેમના પુત્ર દિવ્યેશને ગંભીર ઈજાઓ થતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્મતમાં રવિભાઈ પરમારને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને અંતે તેમણે પણ દમ તોડી દીધો હતો. આ સાથે જ અકસ્માતમાં પરિવારના ત્રણેય સભ્યોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.એકસાથે પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી સ્વજનો પર આભ તૂટી પડ્યું છે. જે પરિવાર સામાન્ય રીતે ઘરે પરત ફરી રહ્યો હતો, તે પરિવાર માટે આ મુસાફરી અંતિમ સફર બની ગઈ. મૃતક રવિભાઈ પરમાર સરકારી તંત્ર સાથે જાડાયે ટેકનીકલ કર્મચારી હતા અને લખતર તાલુકા પંચાયતમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.અકસ્મત બાદ ટક્કર મારનાર અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળે રોકાયો નહોતો અને વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વઢવાણ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.વઢવાણ પોલીસ અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકની ઓળખ મેળવવા માટે તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલા કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન અને તેના ચાલક સુધી પહોંચવા માટે અન્ય ટેકનિકલ સ્રોતોની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસનું મુખ્ય ધ્યાન અકસ્માત બાદ ફરાર થયેલા વાહનચાલકને શોધવા પર છે. અકસ્માતની જાણ થતાં પોલીસે મૃતદેહોને કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા. ઘટનાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અકસ્મતના પગલે વઢવાણ-લખતર રોડ પર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરીને તપાસ આગળ ધપાવી છે.