વિશ્વના હીરા ઉદ્યોગના હૃદય સમાન સુરતના આંગણે જ્યારે એક હજાર કરોડના રફ હીરાનું ભવ્ય પ્રદર્શન યોજાયું છે,જે ૧૦ મી મેં સુધી ચાલશે. ત્યારે તે માત્ર વ્યાપારિક આંકડો નથી પણ આત્મનિર્ભરતા તરફનું એક મજબૂત કદમ છે. સુરત ડાયમંડ બુર્સ ખાતે આયોજિત આ ઐતિહાસિક ઘટના સ્થાનિક રત્નકલાકારો અને નાના ઉદ્યોગકારો માટે સીધી વૈશ્વિક તકોના નવા દ્વારા ખોલશે, જે સુરતની વ્યાપારિક ઓળખને વિશ્વ સ્તરે વધુ તેજસ્વી બનાવશે.
સુરત ડાયમંડ બુર્સ એ માત્ર એક ઈમારત ન થી, પરંતુ ભારતની આર્થિક શક્તિ અને સુરતના રત્નકલાકારોની મહેનતનું એક જીવંત સ્મારક છે. ખજોદ વિસ્તારમાં આવેલું આ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ હોવાનું ગૌરવ ધરાવે છે. અંદાજે ૬૬ લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ અમેરિકાના પેન્ટાગોનને પણ પાછળ છોડી દે છે. સુરત હંમેશા હીરાના કટિંગ અને પોલિશિંગ માટે જાણીતું રહ્યું છે, પરંતુ વેપારના મુખ્ય કેન્દ્રો મુંબઈ કે વિદેશમાં રહેતા હતા. આ અંતરને મિટાવવા અને સુરતને વિશ્વના નકશા પર એક મજબૂત ટ્રેડિંગ હબ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં એક જ છત નીચે હજારો ઓફિસો, આધુનિક સેફ ડિપોઝિટ વોલ્ટ, કસ્ટમ ક્લિયરન્સ હાઉસ અને બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સંકુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે અહીં આવનાર આંતરરાષ્ટ્રીય ખરીદદારોને તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહે. તેની સ્થાપત્ય કલા પણ અદભૂત છે, જેમાં ગ્રીન બિલ્ડિંગના ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે. સુરતના અર્થતંત્રમાં આ બુર્સ એક કરોડરજ્જુ સમાન સાબિત થઈ રહ્યું છે, કારણ કે તે લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. હીરા ઉદ્યોગના નાના વેપારીઓથી લઈને મોટા નિકાસકારો સુધી તમામ માટે આ એક સમાન પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી સુરતની વૈશ્વિક પ્રતિષ્ઠામાં અનેકગણો વધારો થયો છે. રફ ડાયમંડ એટલે કે કાચા હીરા એ કુદરતની એવી અનમોલ ભેટ છે જે ખાણમાંથી નીકળ્યા બાદ પોતાના અસલી સ્વરૂપમાં હોય છે. આ હીરા પર કોઈ પણ પ્રકારનું પાસા પાડવાનું કે પોલિશિંગનું કામ થયું હોતું નથી. જોવામાં તે સામાન્ય કાચના ટુકડા જેવા લાગે છે, પરંતુ તેની અંદર અદભૂત ચમક છુપાયેલી હોય છે. હીરાની કિંમત તેના રફ સ્વરૂપમાં રહેલી શુધ્ધતા, રંગ અને કદ પર આધારિત હોય છે. અત્યાર સુધી સુરતના ઉદ્યોગકારોએ રફ હીરા મેળવવા માટે દુબઈ, બેલ્જિયમનું એન્ટવર્પ કે આફ્રિકન દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. રફ હીરાના વેપારમાં પારદર્શિતા અને ગુણવત્તા અત્યંત મહત્વની હોય છે. રફ હીરાનું સીધું વેચાણ સુરતમાં થવાથી મધ્યસ્થીઓની જરૂરિયાત ઓછી થાય છે અને નાના ઉદ્યોગકારોને વાજબી ભાવે કાચો માલ મળી રહે છે. રફ હીરાની પરખ કરવી એ પણ એક કળા છે, જેમાં કુશળ રત્નકલાકારો હીરાની અંદર રહેલી ખામીઓને ઓળખીને તેમાંથી શ્રેષ્ઠ પાસા કઈ રીતે પાડી શકાય તેનું આયોજન કરે છે. આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલા એક મિલિયન કેરેટથી વધુના રફ હીરા સુરતના એમએસએમઈ એકમો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેમને હવે આંતરરાષ્ટ્રીય હરાજી હાઉસ સાથે સીધો સંપર્ક કરવાની તક મળશે. રફ હીરાની સીધી ઉપલબ્ધતા સુરતના હીરા ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતા અને નફાકારકતા બંનેમાં વધારો કરશે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત ઇન્ડિયા રફ ડાયમંડ શો સુરત માટે એક ઐતિહાસિક ઘટના છે. ૩૫ દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં વિશ્વભરના અગ્રણી સપ્લાયર્સ અને ટ્રેડિંગ કંપનીઓ ભાગ લઈ રહી છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ સુરતને રફ હીરાનું ગ્લોબલ ટ્રેડિંગ હબ બનાવવાનો છે. જયારે સુરતના વેપારીઓને ઘરઆંગણે જ એક હજાર કરોડના હીરા જોવાની અને ખરીદવાની તક મળે છે, ત્યારે તેમના વિદેશ પ્રવાસના ખર્ચ અને સમયની મોટી બચત થાય છે. આ પ્રદર્શનથી ખાસ કરીને નાના અને મધ્યમ કદના હીરાના કારખાનેદારોને મોટો ફાયદો થશે, જેઓ આર્થિક મર્યાદાઓને કારણે વિદેશ જઈ શકતા નહોતા. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ મુજબ સીધા સંપર્કથી સુરતના ઉદ્યોગકારો હવે વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતાઈથી ઊભા રહી શકશે. સુરત ડાયમંડ બુર્સમાં આ પ્રકારના આયોજનોથી માત્ર હીરા ઉદ્યોગ જ નહીં, પરંતુ શહેરના હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે. ભવિષ્યમાં જો સુરત રફ હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની જશે, આના કારણે ભાવનગર પણ હીરા ઉદ્યોગમાં અગ્રસ્થાને આવી જશે કારણ કે દરિયાઈ રસ્તે ભાવનગર થી સુરત માત્ર ત્રણથી ચાર કલાકમાં સમુદ્ર માર્ગે પહોંચી શકાય છે સવારે જઈને સાંજે પાછા આવી શકાય છે. ભાવનગર સુરતનું ટ્‌વીન સિટી બની ચૂક્યું છે. આથી હીરા ઉદ્યોગમાં ભાવનગર સુરત પછી બીજા નંબરનું મુખ્ય કેન્દ્ર બની જશે. આ ઉપરાંત પછી નજીકમાં ધોલેરા સર મા મોટા પાયા પર મલ્ટીનેશન કંપનીઓનું નિર્માણ શરૂ થઈ ચૂકયૂ છે. અહીં ધોલેરામાં અત્યંત આધુનિક સુવિધા ધરાવતા બે રિસોર્ટ પણ કાર્યરત થઈ ચૂક્યા છે. જેમાં મૂડી રોકાણની સૌથી મોટી તકો વર્તમાન સંજોગોમાં છે. જે વ્યક્તિ ક્લબની મેમ્બરશીપ લેશે તે ભવિષ્યમાં માલામાલ થઈ જશે.નજીકના વિસ્તારમાં મોટા પાયા પર અન્ય ઉદ્યોગોની સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પણ વિકસિત થશે. આમ સુરતનું રફ હીરાનું એક્ઝિબિશન સમગ્ર ગુજરાતમાં હીરાના ઝળહળાટ વૈશ્વિક સ્તર પર લઈ જશે. ભારતની હીરાની નિકાસમાં ધરખમ ઉછાળો જોવા મળશે. આ પ્રદર્શન એ દિશામાં ભરાયેલું એક મજબૂત અને નિર્ણાયક પગલું છે, જે સુરતના હીરા ઉદ્યોગના સુવર્ણ યુગની શરૂઆત કરી રહ્યું છે. આમ, સુરત ડાયમંડ બુર્સ અને રફ ડાયમંડ પ્રદર્શનના સંગમથી સુરત હવે વિશ્વમાં હીરાના મેન્યુફેક્ચરિંગની સાથે સાથે ટ્રેડિંગમાં પણ પોતાની ધાક જમાવશે.