ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૭ પહેલા, સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, વિસ્ફોટક ભારતીય ટી ૨૦ ઓપનર અભિષેક શર્મા ફ્રેન્ચાઇઝના કેપ્ટનપદના નિર્ણયથી નારાજ છે અને આઇપીએલ ૨૦૨૭ માટે ટીમ છોડવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક ફ્રેન્ચાઇઝના વિકેટકીપર-બેટ્‌સમેન ઇશાન કિશનને પેટ કમિન્સના અનુગામી તરીકે નિયુક્ત કરવાના નિર્ણયથી નારાજ છે.
અહેવાલ મુજબ, હૈદરાબાદ સાથેના તેમના લાંબા સમયથી જોડાણને કારણે અભિષેક શર્મા પોતાને કેપ્ટનપદ માટે દાવેદાર માને છે. જોકે, જ્યારે ટીમ મેનેજમેન્ટે ગયા સિઝનમાં ઇશાન કિશન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ત્યારે તે નારાજ થઈ ગયો અને નવી ફ્રેન્ચાઇઝી શોધવાનું શરૂ કર્યું. આ વિવાદના મૂળમાં પેટ કમિન્સનું આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ છે. આગામી એશિઝ શ્રેણી અને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપને પ્રાથમિકતા આપવાને કારણે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ આઇપીએલ ૨૦૨૭ સીઝનનો મોટાભાગનો અથવા આખો ભાગ ગુમાવે તેવી શક્યતા છે.
સનરાઇઝર્સ મેનેજમેન્ટે કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરવા માટે ઇશાન કિશનની પસંદગી કરી છે, જેમણે ગયા સિઝનમાં કેટલીક મેચોમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. અહેવાલો અનુસાર, અભિષેક શર્મા ૨૦૧૯ થી હૈદરાબાદ સાથે છે અને તેમને લાગ્યું કે આટલા વર્ષોની વફાદારી અને પ્રદર્શન પછી, તે કેપ્ટનશીપને લાયક છે. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કે. શનમુગમે આ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિષેક શર્માની સંભવિત નવી ટીમ અંગે ઘણી ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને આ રેસમાં સૌથી સંભવિત વિકલ્પ તરીકે જાવામાં આવે છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ સાથેની વાતચીત પણ મજબૂત માનવામાં આવી રહી છે, કારણ કે તેમના માર્ગદર્શક અને ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ હવે દિલ્હીના કોચિંગ અને સપોર્ટ સ્ટાફનો ભાગ છે. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સાથેના સંપર્કોના અહેવાલો પણ છે.