કોડિનારની એસ.કે.એમ. અંગ્રેજી માધ્યમ શાળા ખાતે શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં પીએમ પોષણ શક્તિ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ પોષણ માતા સેવા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાની ૧૮ મધ્યાહન ભોજન સંચાલક, મદદનીશ અને રસોયા બહેનોને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે મંત્રીએ બહેનોની નિષ્ઠા અને સેવાભાવને બિરદાવતા જણાવ્યું હતું કે, બાળકોને પૌષ્ટિક આહાર આપી સુપોષિત બનાવવામાં તેમનું યોગદાન મહત્વનું છે. ગુજરાતની ૩૨ હજાર શાળાઓમાં આશરે ૪૦ લાખ બાળકોને પૌષ્ટિક ભોજન અપાય છે. કાર્યક્રમમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને સાયકલનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.









































