લાઠી તાલુકાના હજીરાધાર ગામે રહેતા એક વૃદ્ધનું મોત થયા બાદ, તેમની લાશ પરથી અજાણ્યા શખ્સો ચાંદીના કડા ચોરી ગયા હોવાની માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. સ્મશાન પાસેના પાણીના ખાડામાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યા બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમના હાથમાં પહેરેલા કિંમતી કડા ગાયબ હતા.આ અંગે હજીરાધારના ભરતભાઇ દાનાભાઇ કાનમીયા (ઉ.વ. ૩૯)એ જણાવ્યા મુજબ, તેમના પિતા દાનાભાઇ ધનાભાઇ કાનમીયા (ઉ.વ. ૬૫) ગત તા. ૧૫/૦૭/૨૦૨૫ના રોજ સવારથી ગુમ થયા હતા. દરમિયાન, હજીરાધાર-ધામેલ રોડ પર આવેલા સ્મશાન સામેના પાણીના ખાડા પાસે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મૃતકના બંને હાથમાં પહેરેલા ચાંદીના કડા ગાયબ હતા. કોઈ અજાણ્યા શખ્સોએ આશરે ૨૦૦ ગ્રામ વજનના બે ચાંદીના કડાંની ચોરી કરી હતી. હાલ દામનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સી. એન. દવે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.








































