વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સાથે સંકળાયેલ એક ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક વ્યક્તિએ ૪.૨૨ લાખની વાર્ષિક આવક હોવા છતાં, માત્ર ૪૭,૦૦૦ ની આવક દર્શાવતું બનાવટી આવક પ્રમાણપત્ર મેળવ્યું અને આ યોજના હેઠળ સરકારી સહાયમાં ૧ લાખનો ગેરઉપયોગ કર્યો. બોકરવાડા ગામના તલાટીએ આ બાબતે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આરોપી, વિષ્ણુ આચાર્ય એ ૨૦૧૮ માં વિસનગર તાલુકા વિકાસ અધિકારી ઓફિસમાંથી બનાવટી આવક પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ પ્રમાણપત્રમાં તેની વાર્ષિક આવક માત્ર ૪૭,૦૦૦ દર્શાવવામાં આવી હતી, જ્યારે તે જ વર્ષે તેણે ૪,૨૨,૦૦૦ ની આવક દર્શાવતું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું હતું. તેમણે આગામી વર્ષે, ૨૦૧૯ માં ૪,૨૧,૦૦૦ નો આઇટીઆર પણ દાખલ કર્યો. આવકમાં આ નવ ગણી વિસંગતતા હોવા છતાં,ટીડીઓ ઓફિસે કેસને માન્ય માન્યો અને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ૧ લાખની સહાય મંજૂર કરી.આ પહેલા “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઈડબ્લ્યુએસ મકાનો અંગે એક બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકે ગેરકાયદેસર રીતે મકાનો ભાડે આપ્યા હતા અથવા વેચી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમે શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં ૩,૯૪૦ મકાનોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ૧૭૪ મકાનમાલિકોને નોટિસ આપવામાં આવી હતી અને સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જા આ બધી નોટિસો માટે યોગ્ય સ્પષ્ટતા નહીં મળે, તો તેમને પણ સીલ કરવામાં આવશે.” “ચેકિંગ દરમિયાન કુલ ૨૧ ઘરોને સીલ કરવામાં આવ્યા હતાં. ચેકિંગ દરમિયાન કેટલાક ઘરમાલિકો તેમના ઘરોને તાળા મારીને ચાલ્યા ગયા હતાં. તેથી, કયા ઘરમાં કોણ રહે છે તે જાણી શકાયુ નહોતું.” જેને લઈને હવે એક સાથે જેટલી વિંગ હોય તેટલી ટીમ બનાવી અને એક સાથે આવાસ યોજનામાં ચેકિંગ કરવા માટેની પણ સૂચના અપાઈ હતી.આ કાર્યવાહી દરમિયાન, અમદાવાદના ઉત્તર ઝોનમાં ૯૮ લોકોને નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી ૪ ઘરો સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં ૫૫૦ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્યાં પાંચ ઘરો સીલ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ ઝોનમાં ૯ ઘરોને નોટિસ આપવામાં આવી હતી અને ૭ ઘરો સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં ૩૬ ઘરોને નોટિસ આપવામાં આવી છે અને ૩ ઘરો સીલ કરવામાં આવ્યા હતા.









































