વડિયા ખાતે સુરગવાળા હાઈસ્કૂલમાં એસવીએસ કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને નવા સંશોધનો અંગે જાગૃતિ આવે તેવા હેતુથી આ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વડિયા-કુંકાવાવ, બગસરા અને ધારી તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ કુલ ૪૧ કૃતિઓ રજૂ કરી હતી. બહેતર જીવનશૈલી માટે કૃત્રિમ બુદ્ધિમત્તા, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, સ્વદેશી કૃષિ પદ્ધતિઓ તથા આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન નિહાળવા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થયો હતો. પ્રસંગે સરપંચ મનીષ ઢોલરિયા, હરેશ રાદડિયા, તુલસી મકવાણા, ભીમશી ચંદ્રવાડિયા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડી.ડી. પાદરિયા અને વિજ્ઞાન શિક્ષક એમ.જી. વાઢેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.