વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે પ્રેમપ્રકરણમાં ફોન હેક કરી, બ્લેકમેઇલિંગ અને નાણાં પડાવી માનસિક ત્રાસ આપતાં એક યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની સંસનીખેજ ઘટના સામે આવી હતી. મૃતક યુવકે આત્મહત્યા કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આ અંગે ચંદુભાઈ હરીભાઈ સોજીત્રા (ઉ.વ. ૫૯)એ સુરતના દર્શીલ ટાઢાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પુત્ર મનીષભાઈ ચંદુભાઈ સોજીત્રાને દીતિના ટાઢાણી નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ યુવતીના કાકાના દીકરા દર્શીલ ટાઢાણીને થઈ ગઈ હતી. ત્યારબાદ દર્શીલે મનીષનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો અને તેમાંથી મનીષ તથા દીતિનાના અંગત ફોટા અને વીડિયો મેળવી લીધા હતા.જે બાદ આરોપી દર્શીલે મનીષને સતત બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. બ્લેકમેઇલિંગ અને ધમકીઓ આપીને આરોપીએ મનીષ પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. ૩,૬૫,૦૦૦ રોકડા પડાવી લીધા હતા. આટલું જ નહીં, આરોપી દર્શીલ અવારનવાર મનીષને જાહેરમાં અશ્લીલ ગાળો આપી ધમકાવતો હતો અને તેની જિંદગી બરબાદ કરી નાખવાની ધમકીઓ આપી અસહ્ય માનસિક ત્રાસ આપતો હતો.આરોપીના સતત ત્રાસ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને મનીષ સોજીત્રાએ ગત ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના આશરે દોઢ વાગ્યાના સુમારે પોતાના રહેણાંક મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં આરોપીના ત્રાસ અને બ્લેકમેઇલિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી દર્શીલ ટાઢાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.