અમરેલી જિલ્લાના લીલીયા વન વિભાગ હેઠળ આવતા અંટાળીયા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટ બોર્ડર પર સિંહ દર્શન કરવા ગયેલા કેટલાક યુવકો પર સિંહોએ હુમલો કર્યો હતો. સિંહ અને સિંહણના મેટિંગ પિરિયડ (સંવનન કાળ) દરમિયાન આ યુવકો સિંહોની ખૂબ નજીક પહોંચી ગયા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. જા કે તપાસ બાદ સાચી વિગત બહાર આવશે.
સિંહોના આ આક્રમક મૂડ વચ્ચે નજીક ગયેલા ૨૧ વર્ષીય સોહીલ મેમણ નામના યુવક પર સિંહોએ હુમલો કર્યો હતો. સિંહ તેને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો, જ્યાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની જાણ થતાં જ લીલીયા વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ગુસ્સે ભરાયેલા સાવજો મૃતક યુવકના દેહ પર જ બેસી રહ્યા હોવાથી સ્થિતિ વધુ તંગ બની હતી. આખરે, વન વિભાગની ટીમે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશીને ભારે જહેમત અને મહામુસીબતે સાવજોને ત્યાંથી દૂર ખસેડ્‌યા હતા અને યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
આ ઘટના બાદ વન વિભાગે સિંહ દર્શન કરી રહેલા અન્ય કેટલાક સ્થાનિક શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવોના હુમલામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ છે. આ ગંભીર ઘટના બાદ સ્થાનિક સ્તરે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે જો આ વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતા હતા, તો વન વિભાગ અત્યાર સુધી શું કરી રહ્યું હતું? વન વિભાગની આવી બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.