શહેરમાં સ્પાની આડમાં કથિત દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાનો મામલો સામે આવ્યો છે. મવડી ચોક પાસે રીદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા ‘મુન લાઇફ ફેમેલી વેલનેસ સ્પા’માં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટએ રેડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી મોબાઇલ સહિત કુલ રૂ.૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણ લોકો સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસને માહિતી મળી હતી કે, મવડી ચોક વિસ્તારમાં આવેલા આ સ્પામાં મસાજની આડમાં ગ્રાહકોને બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવે છે. આ માહિતીના આધારે એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલ્યો હતો. બે પંચોને સાથે રાખીને પોલીસે સ્પામાં રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પાસેથી રૂ.૧,૦૦૦ એન્ટ્રી ફી લેવામાં આવતી હતી. ત્યારબાદ ‘એક્સ્ટ્રા સર્વિસ’ના નામે રૂ.૨,૫૦૦ અલગથી વસૂલવામાં આવતા હોવાનો પણ પોલીસનો દાવો છે. રેડ દરમિયાન સ્પામાંથી ચાર યુવતીઓને પોલીસે મુક્ત કરાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સ્પા સંચાલકો દ્વારા યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો અને તેના બદલામાં આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. આ કાર્યવાહીમાં પોલીસે મોબાઇલ સહિત કુલ રૂ.૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે હર્ષ રાજદેવ, અલ્કા નામની મહિલા અને ધ્રુવ રાજદેવ સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ધ્રુવ રાજદેવ હાલ વોન્ટેડ છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કલમ ૩, ૪ અને ૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્પાની આડમાં કથિત રીતે ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ થયા બાદ શહેરમાં આવા સ્પા અને વેલનેસ સેન્ટરોની કામગીરી અંગે વધુ તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.