રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય પર થયેલા બોમ્બ હુમલાની તપાસ હવે વધુ તેજ બની છે. આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે અને ગુજરાત સહિત ૯ રાજ્યોમાં કુલ ૨૦ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી હુમલા સાથે સંકળાયેલા સંભવિત નેટવર્ક, સંપર્કો અને અન્ય મહત્વના પુરાવા એકત્ર કરવા માટે કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજા અને અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે.
એનઆઇએ દ્વારા સૌથી વધુ કાર્યવાહી ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી છે, જ્યાં પાંચ સ્થળોએ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ત્રણ અને દિલ્હીમાં બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાત, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં એક-એક સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં ગુજરાતનું નામ પણ સામે આવ્યું છે, કારણ કે રાજ્યમાં પણ એનઆઇએએ એક સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જાકે અધિકારીઓએ હજુ સુધી ગુજરાતમાં કયા શહેર અથવા સ્થળે કાર્યવાહી કરવામાં આવી તેની સત્તાવાર માહિતી જાહેર કરી નથી. તપાસના હિતમાં ઘણી વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી રહી છે.
એનઆઇએના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાંચી આરએસએસ કાર્યાલય પર થયેલા બોમ્બ હુમલા પાછળના સમગ્ર નેટવર્કને ઉજાગર કરવા માટે તપાસ સતત આગળ વધી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાંથી મળતા પુરાવાના આધારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.






































