અમરેલી-લીલીયા માર્ગ પર પેસેન્જર ઈકો ચલાવી ગુજરાન ચલાવતા યુનુસભાઇ મણિયારે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. આંકડિયા ગામના ચંપાબેન ડોબરીયા અમરેલીથી આંબા ગામે લગ્નપ્રસંગમાં જવા યુનુસભાઇની ઇકોમાં બેઠા હતા, ત્યારે સોનાની ચેઈન અને રોકડ સહિત કુલ રૂ. ૧,૭૫,૦૦૦ની કિંમતનું પર્સ ગાડીમાં ભૂલી ગયા હતા. યુનુસભાઇને આ પર્સ મળતા જ તેમણે ત્વરિત તપાસ કરી હતી. સમય વેડફ્યા વગર તેમણે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજને સાથે રાખી આંબા ગામે પહોંચી ચંપાબેનને પર્સ પરત સોંપ્યું હતું. આજના સમયમાં આવી નિષ્ઠા જોઈ ચંપાબેન અને તેમના પરિવારે યુનુસભાઇનો આભાર માની તેમની ઈમાનદારીને બિરદાવી હતી.