યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતની વિદેશ નીતિ અંગે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિદેશ નીતિની વર્તમાન સ્થિતિ એક સમાધાનકારી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા શોષણનું પરિણામ છે. તેમણે પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને યુએસ સાથેના વેપાર કરાર અંગે આ ટિપ્પણી કરી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એકસ પર પોસ્ટ કરી, “ભારતની વિદેશ નીતિ આપણા લોકોની સામૂહિક ઇચ્છા દ્વારા ઘડવામાં આવે છે.” “તે આપણા ઇતિહાસ, આપણી ભૂગોળ અને સત્ય અને અહિંસા પર આધારિત આપણી આધ્યાત્મીક નીતિઓમાં મૂળ હોવું જોઈએ.” તેમણે આરોપ લગાવ્યો, ‘આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે નીતિ નથી. તે સમાધાનકારી વ્યક્તિ દ્વારા શોષણનું પરિણામ છે.’
એક દિવસ પહેલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ભારત જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “દુનિયા એક અસ્થિર તબક્કામાં પ્રવેશી ગઈ છે. એક ગંભીર કટોકટી આગળ આવી રહી છે. ભારતનો તેલ પુરવઠો જોખમમાં છે, કારણ કે આપણી આયાતનો ૪૦ ટકાથી વધુ ભાગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.એલપીજી અને એલએનજી માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે.”
રાહુલ ગાંધીએ લખ્યું, “સંઘર્ષ આપણા પડોશમાં પહોંચી ગયો છે; એક ઈરાની યુદ્ધ જહાજ હિંદ મહાસાગરમાં ડૂબી ગયું છે.” “છતાં પણ વડા પ્રધાને આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આવા સમયે, આપણને સ્થિર નેતૃત્વની જરૂર છે. તેના બદલે, ભારતમાં એક એવા વડા પ્રધાન છે જે સમાધાન કરી રહ્યા છે અને વ્યૂહાત્મક સ્વાયત્તતાનો ત્યાગ કરી દીધો છે.”









































