બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત પર નિશાન સાધ્યું છે. તેમણે ભારતમાં યોજાયેલી પ્રાદેશિક બેઠકોમાં બાંગ્લાદેશની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે, રહેમાનના નિર્ણયને અપરિપક્વ અને દેશના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ ગણાવ્યો છે. હસીનાએ પ્રશ્ન કર્યો કે જા તેમના પિતા અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન ભારતની મુલાકાત લઈ શકતા હોય, તો તારિક રહેમાન ભારતની મુલાકાત કેમ ટાળી રહ્યા છે?
શેખ હસીનાએ કહ્યું, “હું અહીં હતી ત્યારે તમારા પિતા ભારત આવ્યા હતા. દિલ્હીમાં મારી હાજરી તારિક રહેમાનને ભારતની મુલાકાત લેતા કેમ રોકી રહી છે? આ નિર્ણય પાછળનું વાસ્તવિક કારણ શું છે?”
શેખ હસીનાની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહેમાને ભારતમાં આયોજિત બ્રિક્સ સમિટમાં હાજરી આપી ન હતી. ઢાકાએ જણાવ્યું હતું કે તેમને બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે નહીં, પરંતુ બ્રિકસના અધ્યક્ષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અગાઉ, બાંગ્લાદેશના ગૃહ પ્રધાન સલાહુદ્દીન અહેમદે ૧૩ ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિકસ ગૃહ પ્રધાનોની પહેલી બેઠકમાં પણ હાજરી આપી ન હતી. આ બે ઘટનાઓએ ભારત સાથેના સંબંધો અંગે બાંગ્લાદેશ સરકારની વ્યૂહરચના પર પ્રશ્નો ઉભા કર્યા છે.
બાંગ્લાદેશની બીએનપીની આગેવાની હેઠળની સરકાર ભારતમાંથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. ઓગસ્ટ ૨૦૨૪ માં બાંગ્લાદેશ છોડ્યા પછી હસીના ભારતમાં રહે છે. ઢાકા માને છે કે ભારતમાં હસીનાની હાજરી બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં અવરોધ છે. હસીનાએ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં બાંગ્લાદેશ પાછા ફરવાનું વચન આપ્યું છે, જાકે તેમણે ધરપકડ અને જેલની આશંકા પણ વ્યક્ત કરી છે.
નવેમ્બર ૨૦૨૫ માં, બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે હસીનાને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં તેમના પર માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તારિક રહેમાન વડા પ્રધાન બન્યા પછી મલેશિયા અને ચીનની મુલાકાતે ગયા છે, પરંતુ ભારતની મુલાકાત લીધી નથી. આવી સ્થિતિમાં, હસીનાની તાજેતરની ટિપ્પણીએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે.