વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તાજેતરમાં સમાપ્ત થયેલા આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને મળશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી એથ્લેટ્સ, તેમના કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, આ કાર્યક્રમ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે લગભગ ૪ઃ૩૦ વાગ્યે યોજાશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
ભારત કુલ ૮૫ મેડલ સાથે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ચોથા સ્થાને રહ્યું. ભારતીય ખેલાડીઓએ ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ મેડલ જીત્યા. આ સતત બીજી વખત ભારત એશિયન ગેમ્સમાં ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવ્યું. જોકે, આ વખતે ભારતીય ટુકડીનું પ્રદર્શન મેડલની ગણતરીમાં પાછલી આવૃત્તિ કરતા પાછળ રહ્યું. ચીનના હાંગઝોઉમાં ૨૦૨૩ એશિયન ગેમ્સમાં ભારતે રેકોર્ડ ૧૦૬ મેડલ જીત્યા હતા.
ભારતે આ રમતોમાં કુલ ૫૦૧ ખેલાડીઓની ટુકડી મોકલી હતી. તેમાંથી ૩૧૦ ખેલાડીઓ પહેલીવાર એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી સાથેના કાર્યક્રમમાં ભારતીય ટુકડીના ખેલાડીઓ, તેમના કોચ અને સહાયક સ્ટાફનો સમાવેશ થશે. આ ઉપરાંત, ભારતીય ઓલિમ્પીક સંઘના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠક દરમિયાન, પ્રધાનમંત્રી ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરશે અને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ સાથે વાતચીત કરશે.










































