શહેરમાં વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની હોવાથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ દક્ષિણ-પશ્ચિમ અમદાવાદમાં આવેલા સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્‌સ એરીના (સ્વાસા) સુધી સીધો માર્ગ બનાવવાની મંજૂરી આપી છે.
ઔડાએ સ્વાસાને એસ.પી. રિંગ રોડ સાથે જાડતા ૭ કિમી લાંબા અને ૩૬ મીટર પહોળા રોડને મંજૂરી આપી હતી. આ ઉપરાંત પ્રસ્તાવિત રોડની બંને તરફ ૨૦૦ મીટર સુધીની ૫ લાખ ચોરસ મીટરથી વધુ જમીનનું ઝોનિંગ જનરલ એગ્રિકલ્ચરલ ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોન-૨માં બદલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
ઔડાના એક અધિકારીએ જણાવ્યું કે મણિપુર-ગોધાવીની ટીપી સ્કીમ નંબર ૪૨૯ના ડેવલપમેન્ટ પ્લાન હેઠળ અગાઉ ૯૦ મીટર પહોળો રોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ રોડ ગોધાવીના જનરલ એગ્રિકલ્ચરલ ઝોનમાંથી પસાર થાય છે. વીઆઈપી રોડથી રેલવે લાઈન સુધીના રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ટીપી સ્કીમ નંબર ૪૫૭, ગોધાવી અને એસ.પી. રિંગ રોડ સાથે સીધું જાડાણ નથી.
હાલમાં એસ.પી. રિંગ રોડથી સ્વાસા તરફ જતાં વાહનોને બોપલ-ઘુમા રોડથી મણિપુર તરફ જવું પડે છે. ત્યાર બાદ ૭ મીટરથી પણ ઓછી પહોળાઈ ધરાવતા રેલવે અંડરપાસમાંથી પસાર થઈ મણિપુર ગામના રોડ મારફતે આગળ જવું પડે છે. આ માર્ગ આશરે ૧૦ કિમી લાંબો છે અને તેમાં લગભગ ૩૦ મિનિટનો સમય લાગે છે. ચોમાસા દરમિયાન અંડરપાસમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિકને વારંવાર અસર થાય છે. ઔડાના અન્ય એક અધિકારીએ જણાવ્યું છે કે પ્રસ્તાવિત રોડ ડેવલપમેન્ટ પ્લાનનો ભાગ છે અને તે એસ.પી. રિંગ રોડને શીલજ, બોપલ, મણિપુર અને ગોધાવી સાથે જાડશે. આ રોડ એસ.પી. રિંગ રોડથી પશ્ચિમ તરફ કેનાલ વિસ્તાર સુધી આશરે ૭ કિમી જશે અને મણિપુર ગામમાંથી પસાર થશે.
૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મુખ્ય સ્થળોમાં સરદાર પટેલ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, કરાઈ પોલીસ એકેડેમી અને સ્વાસાનો સમાવેશ થાય છે. અહીં સરળતાથી અવરજવર થઈ શકે તે માટે ઔડા એસ.પી. રિંગ રોડને કરાઈ પોલીસ એકેડેમી સાથે જાડતું નવું પ્રાથમિકતા ધરાવતું રોડ નેટવર્ક પણ અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. ઝોનમાં ફેરફાર કરીને આ રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનું આયોજન ટૂંક સમયમાં પૂર્ણ થશે અને રસ્તાઓ શક્્ય તેટલા વહેલા ખુલ્લા કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે. ઔડાએ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગોધાવીમાં સ્વાસા માટે આશરે ૧૫ લાખ ચોરસ મીટર જમીન અનામત રાખી છે. આ જમીનની ફાળવણીમાં ભવિષ્યમાં ઓલમ્પિક આયોજન થાય તો તેની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. આ જમીન ખાનગી માલિકીની છે અને અહીં સ્પોર્ટ્‌સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ હેઠળ કરવામાં આવનાર છે.