બાબરા તાલુકાના ચમારડી ગામે કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ચમારડીના પ્લોટ વિસ્તારમાં યોજાયેલા સન્માન કાર્યક્રમ દરમિયાન તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત અનેક કોંગ્રેસી અગ્રણીઓએ કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભૂતૈયાની ઉપસ્થિતિમાં નવા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભાજપમાં જોડાનારાઓમાં પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, ચમારડી જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ જાદવભાઈ વસ્તરપરા, માજી સરપંચ રવજીભાઈ વસ્તરપરા, પંકજ ઇન્દ્રોડિયા સહિત અનેક અગ્રણીઓનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયત સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળના પ્રયાસોને સફળતા મળતાં તાલુકાના રાજકારણમાં ચર્ચા જાગી છે. નવા કાર્યકરોએ ભાજપની વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈ જોડાયા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































