અમરેલી જિલ્લામાં પોલીસની દારૂબંધીના કાયદા હેઠળની કડક કાર્યવાહીના ભાગરૂપે બાબરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ કોટડાપીઠા આઉટ પોસ્ટના સ્ટાફે બાતમીના આધારે એક સફળ રેઇડ કરી હતી. પોલીસે કોટડાપીઠાથી રાયપર ગામના જૂના માર્ગે આવેલી આરોપી પ્રવિણભાઇ મેપાભાઇ ચૌહાણની વાડીની ઓરડીમાં દરોડો પાડ્‌યો હતો. આ રેઇડ દરમિયાન ઓરડીમાંથી પાસ પરમીટ વગરનો ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી પંજાબમાં વેચાણ માટેની બે અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧,૩૨૦ બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૯,૩૫,૭૫૮/- થાય છે. આ ગુનામાં ભાગીદારી કરનાર બંને આરોપીઓ પ્રવિણભાઇ ચૌહાણ અને મહાવિરભાઇ પટગીર રેઇડ દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. આથી, પોલીસે બંને વિરૂધ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.