કાંકરેજ તાલુકાના ઓગડ સ્થિત દેવ દરબાર જાગીર મઠ સાથે જોડાયેલા અજમલ ચૌધરી અપહરણ અને મારપીટ કેસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસે મઠના મહંત બળદેવગિરીની અટકાયત કરીને તેમને ડીસા પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ શરૂ કરી છે. મહંત બળદેવગિરીનું નામ શરૂઆતની એફઆઇઆરમાં ન હોવા છતાં ચૌધરી સમાજ દ્વારા સતત તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ મામલે હવે પોલીસ દ્વારા પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
દેવ દરબાર જાગીર મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી સાથે મારપીટ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો અને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અગાઉ આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મહંત બળદેવગિરીનું નામ એફઆઇઆરમાં ઉમેરવાની માંગ સાથે ચૌધરી સમાજ દ્વારા પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.સમાજના આગેવાનો દ્વારા તટસ્થ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડીસા ડિવિઝનના ડીવાયએસપીના જણાવ્યા અનુસાર, આ કેસમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મળેલા પુરાવાના આધારે મહંત બળદેવગિરીની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે સમગ્ર તપાસ તટસ્થ રીતે કરવામાં આવી રહી છે અને પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરીએ જણાવ્યું કે મહંત બળદેવગિરીની અટકાયત અંગે માહિતી મળી છે. હાલ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે અને સત્તાવાર માહિતી મળ્યા બાદ સમાજ તરફથી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.તેમણે સમાજના લોકોને અફવા કે ઉશ્કેરાટથી દૂર રહી શાંતિ
રવિયા જાળવવા અપીલ કરી છે.
આ મામલે ૭ ઓગસ્ટે ધાનેરા ખાતે ચૌધરી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીડિતને ન્યાય મળે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે જા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રેલી યોજવાની ચીમકી આપવામાં આવશે.
૧૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સમી તાલુકાના દાદરા ગામના વૃદ્ધ અજમલ કાના ચૌધરીના અપહરણ અને મારપીટની ઘટના સામે આવી હતી.અજમલ ચૌધરીના જણાવ્યા મુજબ, તેઓ કાંકરેજ તાલુકાના માંડલા ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક શખસોએ તેમની કારમાં જબરદસ્તી પ્રવેશ કરી તેમને ઓગડ સ્થિત દેવ દરબાર જાગીર મઠ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો અને માફી મંગાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વીડિયો વાયરલ થતાં મામલો વધુ ગરમાયો હતો.આ કેસમાં થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કેટલાક આરોપીઓ સામે નામજાગ અને કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.










































