એક હતી માખી. તે બહુ જ મસ્તીખોર! સવાર પડે એટલે – બણપબણપબણપ!
“ઊઠો ભાઈ, સૂરજદાદા જાગી ગયા!”
એમ કહીને તે બધાંને જગાડતી.
પણ તેને ગંદકી બહુ ગમે!
કચરાનો ડબ્બો દેખાય એટલે ખુશ થઈ જતી અને કહેતી – “વાહ! મારી ફાઈવ સ્ટાર હોટેલ!”
ગટર દેખાય એટલે કહેતી – “અરે વાહ! મારો સ્વિમિંગ પૂલ!”
અને કચરાનો ઢગલો દેખાય એટલે કહેતી – “આ તો મારું રમવાનું મેદાન!”
એમ કહીને માખી કચરા પર બેસી જતી – બણપબણપ ધપાક!
પછી જાય સીધી રસોડામાં!
એક દિવસ રસોડામાં ગરમ ગરમ પૂરી અને શાક બન્યાં હતાં.
માખીબેનની આંખો ચમકી – “અરે વાહ! આજે તો રાજાશાહી જમણ!”
તે પૂરી પર બેસવા જતી હતી ત્યાં જ રસોડાની બિલાડી બોલી – “ઊભી રહે!”
માખી ગભરાઈ – “કેમ? પૂરી તમારી છે?”
બિલાડી બોલી, “ના, પણ તમે હમણાં ક્યાંથી આવ્યાં?”
માખીબેન ગર્વથી બોલી – “પહેલાં કચરાપેટી, પછી ગટર, પછી કાદવપ અને હવે અહીં!”
બિલાડીએ નાક ચડાવ્યું – “છીં! તમે તો આખા ગામની ગંદકી પગમાં લઈને આવ્યાં છો!”
માખી પોતાના પગ જોવા લાગી. – “અરે બાપ રે! મારા પગ તો નાના, પણ ગંદકી મોટી!”
બિલાડીએ કહ્યું, “માખીબેન, તમે ગંદી જગ્યાએ બેસો છો અને પછી ખોરાક પર બેસો છો. આ સારું નથી.”
માખીબેન બોલી – “પણ હું શું કરું? મને આવી ગંદી જગ્યાએ બણબણ કરવું ગમે છે!”
બિલાડી હસીને બોલી – “તું બણબણ ભલે કરો, પણ ગંદકી લઈને નહીં!”
માખી બોલી – “ભલે તમને ગંદકી ન ગમે, પણ ગંદકી જોઉં એટલે મને કાંઈ કાંઈ થાય. ત્યાં બેસું તો જ મને હાશ થાય!”
એમ કહેતાં માખી ફરી ઊડી. ઊડતાં ઊડતાં એની નજર એક તપેલી પર પડી. પણ તપેલી ઢાંકેલી હતી. માખીને થયું જરૂર આ તપેલીમાં દૂધ હશે! આજે તો દૂધમાં નહાવાની ને દૂધ પીવાની મજા જ મજા! એમ કહેતાં માખી ઢાંકણની નીચે થઈ પડી તપેલીમાં!
પણ આ શું! તપેલીમાં તો પાણી હતું! માખી તો પાણીમાં ડૂબવા લાગી. દૂધમાં નાહવાની લાલચ એને ભારે પડી! ભારે મહેનતે એ તપેલીમાંથી માંડમાંડ બહાર નીકળી – ‘અરે બાપ રે! આ દૂધની લ્હાયમાં હું તો ફસાઈ જ ગઈ! આના કરતાં મારો કચરાનો ઢગલો સારો!’ એમ વિચારી બણપ બણપ બણપ કરતી એ કચરાના ઢગલા તરફ ઊડી! ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭











































