પૂજાપાદર ગામે સરકાર, દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી નિર્માણાધીન તળાવના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સહયોગીઓ, ઓપરેટરો અને કર્મચારીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જળસંચય અને ગ્રામ વિકાસ માટે કાર્યરત તમામ યોગદાનકર્તાઓને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમ તળાવના ખોદકામમાંથી નીકળેલી માટીથી તૈયાર કરાયેલા અનોખા ગોવર્ધન પર્વત ખાતે યોજાયો હતો. આ અવસરે જળસંચય, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ વિકાસમાં જનભાગીદારીના મહત્વ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દિલીપભાઈ સખીયા સહિત અનેક આગેવાનો, દાતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








































