પાટણ નગરપાલિકા દ્વારા હાસાપુર સીમ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ અને આસપાસના વિસ્તારમાં બનાવવામાં આવેલા ઇઝ્રઝ્ર રોડને લઈને વિવાદ ઉભો થયો છે. સ્થાનિક જમીન માલિકો અને વિરોધ પક્ષના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી જમીન પર રોડ બનાવવામાં આવ્યો છે.આ મામલે રોડ નિર્માણમાં થયેલા ખર્ચ, જમીનના ઉપયોગ અને મંજૂરી પ્રક્રિયા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપી છે.
હાસાપુર સીમ વિસ્તારના સર્વે નંબર ૩૨૩માં જમીન ધરાવતા હરેશકુમાર કાંતિલાલ પટેલે આક્ષેપ કર્યો છે કે ખોડિયાર એસ્ટેટ માટે બનાવવામાં આવેલા રોડ દરમિયાન તેમની આશરે ૪૦ વાર જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જમીન માલિકના જણાવ્યા મુજબ, તેમણે નગરપાલિકામાં લેઆઉટ પ્લાન, માપણી નકશો અને માપણી શીટ સાથે રજૂઆત કરી હતી. તેમ છતાં રોડ બન્યાને દોઢ મહિનો વીતી ગયા બાદ પણ તેમની જગ્યા અંગે કોઈ ઉકેલ આવ્યો નથી.
પાટણ નગરપાલિકાના સદસ્ય દીપક પટેલે આક્ષેપ કર્યો છે કે ખોડિયાર એસ્ટેટ એક ખાનગી કોમર્શિયલ વિસ્તાર છે, જેમાં ગોડાઉન અને વેરહાઉસ આવેલા છે. તેમના જણાવ્યા મુજબ, આવા વિસ્તારમાં નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રોડ બનાવવાના નિયમો અંગે તપાસ થવી જાઈએ. તેમણે આરોપ લગાવ્યો કે આશરે ૮થી ૯ લાખના ખર્ચે બનાવવામાં આવેલો ઇઝ્રઝ્ર રોડ કેટલાક લોકોને લાભ પહોંચાડવા માટે બનાવવામાં આવ્યો છે. સાથે જ તેમણે સરકારી નાણાંના ઉપયોગ અંગે તપાસ સમિતિ બનાવવાની માંગ કરી છે.
દીપક પટેલે વધુમાં જણાવ્યું કે નગરપાલિકાની ગ્રાન્ટના ઉપયોગ માટે જરૂરી તાંત્રિક અને વહીવટી મંજૂરીની શરતોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ થવી જાઈએ. તેમણે સરકારી નાણાંનો દુરુપયોગ સાબિત થાય તો જવાબદારો પાસેથી રકમ વસૂલ કરવાની માંગ કરી છે.આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે આ વિવાદની માહિતી હાલમાં તેમના ધ્યાન પર આવી છે. સામાન્ય રીતે ખાનગી જમીનમાં રોડ બનાવવામાં આવતો નથી અને આ રોડ બનાવવાનો નિર્ણય સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, જમીન માલિકે પોતાની માપણી શીટ અને હદ-ખૂંટના નિશાન રજૂ કરવાના રહેશે. ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. ચીફ ઓફિસરે વધુમાં કહ્યું કે, જા તપાસમાં નગરપાલિકાની ભૂલ સાબિત થશે તો અરજદારને વળતર આપવા અંગે બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અથવા જરૂર પડે તો કોન્ટ્રાક્ટર પાસેથી રોડમાં ડેવિએશન કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.