લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે કપાસના ખેતરમાં મધમાખીઓએ અચાનક હુમલો કરતાં મહિલા સહિત ત્રણ લોકો ડંખનો ભોગ બન્યા હતા. આ ઘટનાને પગલે ખેતરમાં કામ કરતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નાના લીલીયા ગામે કપાસના ખેતરમાં મધમાખીઓએ હુમલો કરતાં પ્રભાબેન અરવિંદભાઈ સડાસણા સહિત ત્રણ લોકોને ડંખ માર્યા હતા. પ્રભાબેનને પ્રથમ લીલીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમરેલી ખસેડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જયસુખભાઈ અને તેમનાં પત્ની પણ મધમાખીઓના હુમલાનો ભોગ બન્યાં હતાં. આ ઘટનાથી ગ્રામજનોમાં ચિંતા પ્રસરી હતી.







































