અમરેલી નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવા કરોડો રૂપિયાના ખર્ચે મહી-પરીએજ યોજના, વડી અને ઠેબી ડેમ આધારિત વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં નળ ખુલ્લા રાખવા, વાહનો-આંગણા ધોવા કે ટાંકી ઓવરફ્લો થવા દેવી જેવી પ્રવૃત્તિઓથી હજારો લીટર પાણીનો બગાડ થતો હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું છે, જે ‘વોટર બાય-લોઝ’ હેઠળ દંડનીય ગુનો છે.
આથી, પાલિકાએ પાણીનો ઉપયોગ માત્ર પીવા અને ઘરવપરાશ પૂરતો જ મર્યાદિત રાખવા કડક સૂચના આપી છે. વાહનો ધોવા ડાયરેક્ટ પાઇપલાઇનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે અને લીકેજ તાત્કાલિક રીપેર કરાવવા જણાવાયું છે. હવેથી પાલિકાની ટેકનિકલ ટીમ પાણી વિતરણ સમયે આકસ્મિક ચેકિંગ કરશે. જો કોઈ મિલકતધારક પાણીનો વેડફાટ કરતા પકડાશે, તો તેની સામે સ્થળ પર જ ભારે આર્થિક દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર નિયમભંગ કરનારનું નળ કનેક્શન પૂર્વ સૂચના વગર કાયમી ધોરણે કાપીને ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરાશે.
પાણીનો વેડફાટ કરનારાઓ સાવધાન!
– પાણીનો ઉપયોગ માત્ર પીવા અને ઘરવપરાશ માટે જ કરવો.
– પાઈપલાઈન વડે વાહનો, મકાન કે રસ્તા ધોવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
– સેનિટરી અને ટેકનિકલ ટીમ દ્વારા ગમે ત્યારે આકસ્મિક ચેકિંગ.
– નિયમભંગ બદલ સ્થળ પર જ ભારે આર્થિક દંડ અને વારંવાર ભૂલ કરવા પર નળ કનેક્શન કાયમી ધોરણે કટ થશે.





































