દિશા પટાણીના પિતા બરેલીમાં રહે છે, તેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. તેમના ઘરે ગોળીબાર થયો હતો. દિશા પટાણીના પિતા જગદીશ પટાણીએ આ હુમલા અંગે ઘણી વાતો શેર કરી છે.  તેમણે જણાવ્યું કે જે ગોળીઓ ચલાવવામાં આવી હતી તે વિદેશમાં બનાવવામાં આવી હતી. જગદીશ પટણી કહે છે, ‘બે અજાણ્યા બદમાશોએ મારા ઘર પર ગોળીબાર કર્યો. પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે. પોલીસ અને એડીજી બધા તેના પર કામ કરી રહ્યા છે. ગોળીઓ દેશી નથી, વિદેશી છે. મને લાગે છે કે ૮-૧૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે ગોલ્ડી બ્રારે આની જવાબદારી લીધી છે, પરંતુ પરિસ્થિતિ હજુ સ્પષ્ટ નથી.પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે ૩ઃ૩૦ વાગ્યે જગદીશ પટણીના ઘરે બે મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. બરેલીના એસએસપી અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે, ‘અમને જગદીશ પટણીના નિવાસસ્થાને બે અજાણ્યા મોટરસાઇકલ સવાર હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કોતવાલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિવારના સભ્યોની સુરક્ષા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.’ અનુરાગ આર્યએ એમ પણ માહિતી આપી હતી કે વધુ તપાસ માટે એસપી સિટી અને એસપી ક્રાઇમના નેતૃત્વમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે. તેઓ કહે છે કે, ‘અમે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીશું. મેં પરિવારને મળીને તેમને સુરક્ષાની ખાતરી આપી છે.’