લાઠીના મતીરાળા ગામના ખેડૂતનો ફેસબુક પર સંપર્ક કરીને તેને દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હોવાનું કહી રૂ. ૮૫,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ચંદુભાઈ જીણાભાઈ બડુસ (ઉં.વ. ૫૮)એ અજાણ્યા ફેસબુક એકાઉન્ટ અને મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફેસબુક તથા મોબાઈલ મારફતે સંપર્ક કરી દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હોવાનું અને રકમ ટૂંક સમયમાં પરત આપી દેવાનું જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ જુદા જુદા નામના ગૂગલ પે ક્યુઆર કોડ મોકલી તેમના તથા તેમનાં પત્નીના સંયુક્ત બેંક ખાતામાંથી કુલ ૧૦ ઓનલાઈન વ્યવહારો મારફતે રૂ. ૮૫,૦૦૦ મેળવી લઈ છેતરપિંડી કરી હતી. બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. ઔસુરા વધુ તપાસ કરી રહ્યા છે.