અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે એક મોટી સફળતા હાંસલ કરતા ૯૮૧ ગ્રામ જેટલો કોકેઈનનો જથ્થો પકડી પાડ્યો છે. ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ડીઆરઆઇની અમદાવાદ ઝોનલ યુનિટે કાર્યવાહી કરીને યુગાન્ડાના એક નાગરિકની ધરપકડ કરી છે. આ પેસેન્જર વિદેશથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું તસ્કરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, આરોપી મુસાફર કતાર એરવેઝની ફ્લાઈટ કયુઆર૫૩૪ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો.ડીઆરઆઇના અધિકારીઓને અગાઉથી બાતમી મળી હતી કે યુગાન્ડાનો એક નાગરિક ભારે માત્રામાં ડ્રગ્સ લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવીને પેસેન્જર જેવા જ એરપોર્ટ પર ઉતર્યો કે તુરંત જ તેને અટકાવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પેસેન્જરે પોતાની પાસે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે પ્રતિબંધિત વસ્તુ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જોકે, અધિકારીઓને તેની હિલચાલ પર શંકા જતાં તેના સામાન અને ટ્રોલી બેગની અત્યંત ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્કેનિંગ અને તપાસ દરમિયાન બેગના કેટલાક ભાગોમાં અસામાન્ય ગોઠવણ જાવા મળી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ કોકેઈન છુપાવવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. તેણે ટ્રોલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલ અને પ્લાસ્ટીકના સપોર્ટ પાર્ટ્સની અંદર પોલિથીન બેગમાં સફેદ પાવડર સંતાડ્યો હતો. અધિકારીઓએ બેગના પાર્ટ્સ ખોલીને તપાસ કરતા તેમાંથી કુલ ૯૮૧ ગ્રામ સફેદ પાવડર મળી આવ્યો હતો, જેનું એફએસએલ પરીક્ષણ કરતા તે ઉચ્ચ ગુણવત્તાનું કોકેઈન હોવાનું સાબિત થયું હતું.
આ મામલે ડીઆરઆઇ દ્વારા તમામ કોકેઈનનો જથ્થો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ, ૧૯૮૫ હેઠળ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને યુગાન્ડાના નાગરિકની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, ગુજરાતમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલમાં અન્ય કેવા સ્થાનિક કે વિદેશી સ્મગલરો સંડોવાયેલા છે તે દિશામાં ડીઆરઆઇ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.







































