પીડીપી ધારાસભ્ય આગા સૈયદ મુન્તાઝીર મેહદીએ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની મેચ પર એક મોટું નિવેદન આપ્યું છે. પીડીપી ધારાસભ્યએ કહ્યું, “આ એક સારું પગલું છે. ભારત અને પાકિસ્તાન અલગ રહી શકે નહીં. બંને દેશોએ ઉપખંડમાં શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવું જોઈએ. રમતગમતને રાજકીય દ્રષ્ટિકોણથી જોવી જોઈએ નહીં.”

પાકિસ્તાન સરકારે તેની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડીંગ ચેમ્પીયન ભારત સામે નિર્ધારિત મેચ માટે ૧૫ ફેબ્રુઆરીએ મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ શ્રીલંકામાં યોજાવાની છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટોના પરિણામ અંગે વડા પ્રધાન શાહબાઝ શરીફને માહિતી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.

પાકિસ્તાને અગાઉ સુરક્ષા ચિંતાઓને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા બાંગ્લાદેશ સાથે એકતા દર્શાવતા કટ્ટર હરીફ ભારત સામે ન રમવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના વડા પ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે આ મુશ્કેલ સમયમાં દેશના સમર્થન અંગે ચર્ચા કરી હતી.આઇસીસી અને અન્ય દેશો સાથે ચર્ચા બાદ, પાકિસ્તાન સરકારે તેની ક્રિકેટ ટીમને ભારત સામે ટી ૨૦ વર્લ્ડ કપ મેચ રમવાનો નિર્દેશ આપ્યો છે.