ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે રાજકીય માહોલ ગરમાયો છે. આગામી ૧૧ ઓક્ટોબરના રોજ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી પ્રચાર પણ પુરજાશમાં ચાલી રહ્યો છે.
દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.વાતચીતમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાંધીનગરની જનતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, ભાજપના ભ્રષ્ટાચાર ઉપરાંત અહંકાર અને મોંઘવારીના મુદ્દાઓને લઈને પણ લોકોમાં નારાજગી છે.
ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરની જનતાની લાગણી કોંગ્રેસના ઉમેદવારો સાથે છે અને કોંગ્રેસને જનસમર્થન મળી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ વિવિધ પ્રકારના હથકંડા અપનાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકારી તંત્રનો ઉપયોગ કરીને અધિકારીઓ મારફતે લોકોને ગેરમાર્ગે દોરવાનો અને કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરની જનતાએ અગાઉ કોંગ્રેસને મેયર બનાવ્યા છે અને આ વખતે પણ કોંગ્રેસનો મેયર બને તેવી તેમને આશા છે. જોકે, ભાજપ તરફથી આવા આક્ષેપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને વિરોધ કરવામાં આવ્યો છે; ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપ દ્વારા તંત્રના દુરુપયોગ અંગે કરાયેલા આક્ષેપોને ભાજપે નકારી કાઢ્યા છે.
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને હાલમાં ત્રણેય મુખ્ય પક્ષો દ્વારા જારશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા સંગઠન અને બૂથ સ્તરની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક પ્રશ્નો અને સરકાર સામેના આક્ષેપોને ચૂંટણી મુદ્દો બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ગત ચૂંટણી કરતાં પોતાનું પ્રદર્શન સુધારવા માટે પ્રયાસ કરી રહી છે. ગત ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે ૪૪માંથી ૪૧ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને બે અને છછઁને એક બેઠક મળી હતી.
ચૂંટણી નજીક આવતાં પક્ષોની અંદરની ખેંચતાણ અને કાર્યકરોની નારાજગી પણ ચર્ચાનો વિષય બની છે. ક્યાંક ભાજપમાં ટિકિટને લઈને અસંતોષ સામે આવ્યો છે તો કોંગ્રેસમાં લાંબા સમયથી સુસ્ત રહેલા સંગઠનમાં કાર્યકરોને સક્રિય કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે ૧૧ ઓક્ટોબરના મતદાનમાં ગાંધીનગરની જનતા કોના પક્ષે જનાદેશ આપે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.









































