લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી દહીંથરા-કાંચરડી માર્ગ પર રૂ. ૫૦ લાખના ખર્ચે હયાત કોઝવેની જગ્યાએ નવો પુલ મંજૂર કરવામાં આવ્યો છે. દહીંથરા ગામે રામાપીરના મંદિર પાસે બનનારા આ પુલથી વર્ષો જૂની ગ્રામજનોની માંગ પૂર્ણ થશે.વરસાદી ઋતુમાં કોઝવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર વારંવાર ખોરવાતો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને રોજિંદા મુસાફરોને મુશ્કેલી પડતી હતી. નવા પુલના નિર્માણથી બારમાસી અને સુરક્ષિત વાહનવ્યવહાર સુલભ બનશે. આસપાસના ગામોના ખેડૂતોને ખેતઉપજ બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે તેમજ આરોગ્ય, શિક્ષણ અને વેપાર-ધંધાને પણ લાભ થશે. ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત રસ્તા અને પુલો માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પુલની મંજૂરી બદલ સ્થાનિક ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.