છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’ યોજાઈ હતી. છત્તીસગઢ સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ દ્વારા અમદાવાદમાં યોજાયેલી ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’નો મુખ્ય હેતુ ગુજરાતના રોકાણકારો સાથે ઔદ્યોગિક ભાગીદારી મજબૂત કરવાનો અને ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, ફૂડ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી વ્યવસાયિક તકો વિશે ઉદ્યોગો અને રોકાણકારોને માહિતગાર કરવાનો હતો. છત્તીસગઢ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન રાજીવ અગ્રવાલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિર રહ્યા હતા.છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, છત્તીસગઢ ભગવાન શ્રી રામનું મોસાળ છે. રાજ્ય પાસે ખનીજ સંપદા અને વન સંપદાનો ભંડાર છે. દેશના હૃદયસ્થળની મધ્યમાં વસેલા છત્તીસગઢ રાજ્યથી દેશના લગભગ દરેક ખૂણે ૧૦૦ મિનિટ જેટલા જ સમયમાં પહોંચી શકાય છે. રોકાણ પ્રસ્તાવ રજૂ કરનાર સૌ ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કરતા વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું હતું કે, છત્તીસગઢની સુચારું ઉદ્યોગ નીતિ થકી આપ સૌને ઉદ્યોગોના વિકાસ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છીએ. છત્તીસગઢમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. આથી ગુજરાતીઓ છત્તીસગઢમાં ઉદ્યોગ સંભાવનાઓ વિશે સુપેરે વાકેફ છે. મદદરૂપ ઉદ્યોગ નીતિ, સિંગલ વિન્ડો સિસ્ટમ અને માળખાગત સુવિધાઓની સરળ ઉપલબ્ધતા રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સુનિશ્ચિત કરે છે. અમારી સરળ ઉદ્યોગ નીતિના લીધે દશ મહિનામાં જ ૭.૫ લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો રાજ્યને મળ્યા છે. તેમાંથી ઘણા ઉદ્યોગોએ પોતાના નિર્માણ કાર્યો પણ શરૂ કરી દીધા છે એમ તેમણે ઉમેર્યું હતું.છત્તીસગઢ વિશે જૂની જે માન્યતાઓ હતી એ હવે રહી નથી એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં હવે રાજ્યમાં નક્સલવાદ અંત તરફ છે. રાજ્યના ઉદ્યોગોને હવે કોઈ પણ પ્રકારના પડકારો કે ખતરો નથી. સર્વાંગી ઔદ્યોગિક વિકાસ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં છત્તીસગઢ પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. સાથે જ, તેમણે રોકાણકારોને છત્તીસગઢમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા.છત્તીસગઢના મુખ્યમંત્રીએ કેવડિયા ખાતે ભારત પર્વની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે. એકતાનગર ખાતે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા એવી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આપણા સૌની એકતા પ્રદર્શિત કરે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’ અંતર્ગત છત્તીસગઢ સરકારે વિવિધ રોકાણકારો અને ઉદ્યોગ સંસ્થાઓને ‘ઈન્વેટેશન ટુ ઇન્વેસ્ટ’ લેટર એનાયત કર્યા હતા, જે રાજ્યની ઝડપી રોકાણ પ્રક્રિયાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઇએ થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લીમેન્ટ્સ જેવા ક્ષેત્રોની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ આપ્યા. આ રોકાણોથી રાજ્યમાં ૧૦,૫૩૨થી વધુ રોજગાર તકો સર્જાશે. ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’ થકી છત્તીસગઢને અંદાજિત ? ૩૩,૦૦૦ કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે.ગુજરાતના ઉદ્યોગ સમૂહના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સાથે મુલાકાત કરી હતી. પ્રતિષ્ઠિત વાડીલાલ ગ્રૂપે છત્તીસગઢમાં રોકાણ કરવા માટે ગાઢ રસ વ્યક્ત કર્યો હતો. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર દેવાંશુ ગાંધીએ મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં આઈસક્રીમ, ફ્રોઝન ફૂડ અને અન્ય પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે યુનિટ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.આ તકે શિવાલક ગ્રૂપના જાઇન્ટ એમડી રાઘવેન્દ્ર સિંઘાનિયા અને વેલસ્પન ગ્રૂપના કોર્પોરેટ અફેર્સ હેડ ધ્રુવમ ઠાકુરે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા તેમના ઉદ્યોગોના વિસ્તાર અને વિકાસ માટે ઉપલબ્ધ કરાવેલ સહકાર અને સહાયરૂપ નીતિઓ વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.છત્તીસગઢ સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના સચિવ રજત કુમારે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે છત્તીસગઢમાં ઉપલબ્ધ તકો વિશે વિગતો રજૂ કરી હતી. છત્તીસગઢ સરકાર ઉદ્યોગોને આવકારવા તૈયાર છે એમ જણાવીને તેમણે સરકારની તૈયારીઓ સહિત રાજ્યમાં ઉપલબ્ધ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રોથ રિફોર્મ્સ અને માળખાગત સુવિધાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના લીધે રાજ્યના સુઆયોજિત ઔદ્યોગિક વિકાસને પગલે હવે અન્ય રાજ્યો પણ આ પ્રકારે ઇન્વેસ્ટર ઇવેન્ટ્સ દ્વારા રોકાણકારોને આકર્ષવાના કાર્યક્રમો યોજી રહ્યા છે. ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’માં છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ રાહુલ ભગત સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો, રોકાણકારો, ઉદ્યોગસાહસિકો સહિત છત્તીસગઢ સરકારના પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિર રહ્યા હતા.









































