પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે કોડીનારના આલિદર ગામે સહકારી મંડળીએ સચોટ આયોજન અને માનવતાવાદી અભિગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘આલિદર સેવા સહકારી મંડળી’ સંચાલિત પેટ્રોલ પંપ પર આજુબાજુના ૧૦ કિમી ત્રિજ્યાના તમામ ખેડૂતોને કોઈ પણ લિમિટ વગર ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જે કૃષિ ક્ષેત્ર માટે મોટી રાહત સમાન છે. મંડળીના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા સોશિયલ મીડિયા મારફત ઈંધણની ઉપલબ્ધતાની સતત અપડેટ અપાતી હોવાથી પંપ પર બિનજરૂરી લાઈનો કે અફરાતફરી ટળી છે. વાહનચાલકો પણ શિસ્તબધ્ધ રીતે સહકાર આપી રહ્યા છે. આ ઉપરાંત, કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મંડળીના પ્રમુખ હમીરભાઇ વૈંશ દ્વારા ગ્રાહકો માટે ઠંડા શરબત અને પાણીની ખાસ સુવિધા કરાઈ છે. મંડળીની આ સુંદર વ્યવસ્થા અને સુશાસનની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.







































