કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, ૨૦૨૬ ની તપાસ કરતી સંયુક્ત સંસદીય સમિતિની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ બાબતે વ્યાપક ચર્ચાની માંગ કરી છે. તેમના એકસ હેન્ડલ પર એક પોસ્ટમાં, વેણુગોપાલે એફસીઆરએ બિલ, ૨૦૨૬ પર જેપીસીની કામગીરી અંગે લોકસભા સ્પીકરને લખેલા તેમના પત્ર વિશે માહિતી શેર કરી. તેમણે જણાવ્યું હતું કે તે એક અત્યંત સંવેદનશીલ બિલ છે જે લઘુમતીઓ અને નાગરિક સમાજ જૂથોના બંધારણીય અધિકારો પર નોંધપાત્ર અસર કરશે.
તેઓએ જણાવ્યું હતું કે જેપીસીનો હેતુ તમામ સંબંધિત હિસ્સેદારો પાસેથી ઇનપુટ એકત્રિત કરવાનો અને ડ્રાફ્ટ બિલને ફરીથી રજૂ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવાનો હતો. વેણુગોપાલે પ્રશ્ન કર્યો હતો કે શું વ્યાપક પ્રતિસાદ અને ચકાસણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. “અમારું માનવું છે કે જેપીસીમાંથી બહાર આવતા કોઈપણ બિલ દોષરહિત હોવું જાઈએ, અને સંસદને ખાતરી હોવી જાઈએ કે તે સંપૂર્ણ પરામર્શ પ્રક્રિયામાંથી પસાર થયું છે. આ ખાતરી કર્યા વિના,જેપીસી અર્થહીન છે અને સંસદ સાથે વિશ્વાસઘાત છે.” તેમના પત્રમાં, વેણુગોપાલે સ્પીકરને વિનંતી કરી કે સમિતિ એનજીઓ, સખાવતી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કાનૂની નિષ્ણાતો અને રાજ્ય સરકારો તરફથી લેખિત રજૂઆતો અને મૌખિક પુરાવા સહિત સંપૂર્ણ પરામર્શ પ્રક્રિયા હાથ ધરે. વેણુગોપાલે સ્પીકરને બિલના દરેક કલમ પર વિગતવાર ચર્ચા માટે પૂરતો સમય આપવા વિનંતી પણ કરી. તેમણે કહ્યું કે સંસદને ખાતરી હોવી જાઈએ કે આ કાયદાને ગૃહમાં વિચારણા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે.
એ નોંધવું જાઈએ કે ૧૨ ઓગસ્ટના રોજ,એફસીઆરએ બિલ ૩૧ સભ્યોની જેપીસીને મોકલવામાં આવ્યું હતું. સમિતિને સંસદના શિયાળુ સત્ર પહેલા તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા જેપીસી સભ્યો બિલની તપાસ કરવા અને જાહેર અભિપ્રાય એકત્રિત કરવા માટે વધુ સમયની માંગ કરી રહ્યા છે. વિપક્ષી સભ્યોએ વિનંતી કરી છે કે સમિતિની ૧૨ ઓક્ટોબરની બેઠક ઓછામાં ઓછી ચાર અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવે અને હિસ્સેદારો પાસેથી સૂચનો મેળવવાનો સમયગાળો વધુ ચાર અઠવાડિયા માટે લંબાવવામાં આવે.
ડીએમકે સાંસદ પી. વિલ્સને અલગથી માંગ કરી છે કે સમિતિ હિસ્સેદારો પાસેથી વાંધા અને સૂચનો પણ માંગે. તેમણે દલીલ કરી હતી કે સંસ્થાઓ અને નિષ્ણાતો માટે વિગતવાર સૂચનો તૈયાર કરવા માટે સાત દિવસનો સમય પૂરતો નથી.જેપીસીએ બિલની તપાસ કરવા માટે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં ૧૪,૪૪૦ સક્રિય એફસીઆરએ એકાઉન્ટ્‌સ છે. વેણુગોપાલે કહ્યું કે જેપીસી “સંપૂર્ણ પરામર્શ પ્રક્રિયા” વિના કોઈ હેતુ પૂરો પાડશે નહીં અને સંસદમાં બિલ પર વિચારણા થાય તે પહેલાં તેની વ્યાપક તપાસ સુનિશ્ચિત કરવા સ્પીકરને વિનંતી કરી.